સુરતના વરાછા વિસ્તારમાં માતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. માત્ર બે વર્ષની માસૂમ બાળકી જમવા બાબતે હેરાન કરતી હોવાથી ઉશ્કેરાયેલી સગી જનેતાએ તેને વેલણ અને સાવરણી વડે એટલો ક્રૂર માર માર્યો કે બાળકીનું મોત નીપજ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બાળકીને માથામાં ગંભીર ઈજા થવાને કારણે બ્રેઈન હેમરેજ થયું હતું.
વરાછાની વર્ષા સોસાયટી વિભાગ-એકમાં લફી પૂણાભાઈ સોલંકી નામની મહિલા છેલ્લા દોઢ મહિનાથી સંદીપ નામના યુવક સાથે મૈત્રી કરારથી રહે છે. લફીને ચાર દીકરીઓ છે, જેમાં ત્રીજા નંબરની બે વર્ષીય પુત્રી યશવિતા આજે સવારે ઘરે તોફાન કરી રહી હતી. બાળકી જમવા બાબતે આનાકાની કરતા માતાએ ધીરજ ગુમાવી હતી અને માનવતા ભૂલીને માસૂમ પર તૂટી પડી હતી.
માતાએ બાળકીને વેલણ, સાવરણી અને પટ્ટા વડે ફટકારી હતી. અમાનુષી મારને કારણે બાળકીના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા અને તે બેભાન થઈ ગઈ હતી. ગભરાયેલી માતા તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી વરાછા પોલીસને જાણ કરી હતી.
સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગે જણાવ્યું કે, બાળકીના શરીર પર માત્ર આજના જ નહીં, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી સતત માર મારવામાં આવ્યો હોય તેવા જૂના નિશાનો પણ મળી આવ્યા છે. માથાના ભાગે થયેલા ગંભીર પ્રહારને કારણે આંતરિક રક્તસ્ત્રાવ (બ્રેઈન હેમરેજ) થવાથી માસૂમનું મોત થયું છે.
આ ઘટનાએ સમાજમાં બાળકોના ઉછેર અને તેમને અપાતી શારીરિક સજા સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. મૃતક બાળકીના પિતા ગીર સોમનાથના કોડીનારના વતની છે અને હાલ ઓખા ખાતે માછીમારી કરે છે. વરાછા પોલીસે હાલ આરોપી માતાની અટકાયત કરી તેની અન્ય ત્રણ પુત્રીઓની હાજરીમાં વધુ પૂછપરછ હાથ ધરી હતી.