ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, હવે પરિવારના આ સભ્યોને પણ તબીબી સારવારનો લાભ મળશે

  • March 12, 2026 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના લાખો સરકારી કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ અને દૂરગામી નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા તબીબી સારવારના નિયમોમાં સુધારો કરીને 'કુટુંબ'ની વ્યાખ્યાને વધુ સ્પષ્ટ અને વ્યાપક બનાવવામાં આવી છે. આ ફેરફાર બાદ હવે કર્મચારીના પરિવારના વધુ સભ્યોને સરકારી મેડિકલ સુવિધાઓ અને વળતરનો લાભ મળી શકશે. સરકારે હવે સરકારી કર્મચારીો પર નિર્ભર ભાઈ-બહેનને પણ તબીબી સારવાર આપવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી માતા-પિતા અને સંતાનોને જ લાભ મળતો હતો.  


અત્યાર સુધી ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, 2015 હેઠળ કુટુંબની જે મર્યાદિત વ્યાખ્યા હતી, તેના સ્થાને હવે ગુજરાત મુલ્કી સેવા (નોકરીની સામાન્ય શરતો) નિયમો, 2002ના નિયમ-9(26) મુજબની વ્યાખ્યા લાગુ કરવામાં આવી છે. આ નવા સુધારા મુજબ હવે 'કુટુંબ'માં પતિ અથવા પત્ની, સરકારી કર્મચારીની સાથે રહેતા પત્ની અથવા પતિ. કર્મચારી સાથે રહેતા અને તેના પર સંપૂર્ણ નિર્ભર હોય તેવા ઔરસ (પોતાના) અથવા સાવકા બાળકો. (કાયદેસર રીતે દત્તક લીધેલા બાળકોને પણ હવે ઔરસ બાળકનો દરજ્જો અપાશે). કર્મચારી સાથે રહેતા અને તેમના પર આશ્રિત હોય તેવા માતા-પિતા અને કર્મચારી સાથે રહેતા હોય તેવા સગીર ભાઈઓ અને બહેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


સરકારે આ લાભો મેળવવા માટે આર્થિક નિર્ભરતાની શરત પણ સ્પષ્ટ કરી છે. નિયમ મુજબ, જો પરિવારના કોઈ સભ્યની માસિક આવક (પેન્શન અને અન્ય તમામ સ્ત્રોતો સહિત) રૂ. 500થી વધુ થતી હોય, તો તે સભ્યને કર્મચારી પર 'પૂર્ણતઃ આશ્રિત' ગણવામાં આવશે નહીં. એટલે કે, રૂ. 500 સુધીની આવક ધરાવતા સભ્યો જ તબીબી સારવારના લાભો માટે પાત્ર ઠરશે.


આ નિયમોના હેતુ માટે 'કુટુંબ' શબ્દમાં એક કરતાં વધુ પત્નીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જો કોઈ કર્મચારીએ કાયદેસરની વિધિ મુજબ બાળક દત્તક લીધું હોય તો તેને પણ મેડિકલ ક્લેમ માટે પોતાનું સંતાન ગણીને તમામ લાભો આપવામાં આવશે. તમામ આશ્રિત સભ્યો માટે સરકારી કર્મચારી સાથે રહેતા હોવા તે પ્રાથમિક શરત રહેશે. આ સુધારા પહેલા 'કુટુંબ'ની વ્યાખ્યામાં રહેલી અસ્પષ્ટતાને કારણે ઘણા કિસ્સાઓમાં આશ્રિત માતા-પિતા કે ભાઈ-બહેનોના તબીબી બિલ પાસ કરવામાં મુશ્કેલીઓ પડતી હતી. હવે વ્યાખ્યા વધુ વ્યાપક અને સ્પષ્ટ બનતા, કર્મચારીઓને તબીબી વળતર  મેળવવાની પ્રક્રિયામાં સરળતા રહેશે.


આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલો આ સુધારો તાત્કાલિક અસરથી રાજ્યના તમામ સરકારી વિભાગોમાં અમલી બનશે. સરકારના આ નિર્ણયને કર્મચારી સંગઠનો દ્વારા આવકારવામાં આવ્યો છે, કારણ કે આનાથી મધ્યમ અને નિમ્ન વર્ગના કર્મચારીઓને તેમના આશ્રિતોની સારવાર કરાવવામાં મોટી આર્થિક રાહત મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application