પબ્લિકના કામ ન અટકે તે જ પ્રાયોરિટી: રેમ્યા મોહન

  • March 12, 2026 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ૨૦૨૧થી ૨૦૨૬ની ટર્મ ગઇકાલે પૂર્ણ થતા આજથી વહીવટદાર શાસન લાગુ થયું છે. આજે સવારે ખુલતી કચેરીએ વહીવટદાર તરીકે સિનિયર આઇએએસ ઓફિસર રેમ્યા મોહનએ મેયર ચેમ્બરમાં ચાર્જ સંભાળ્યો હતો. દરમિયાન ચાર્જ સંભાળ્યા બાદ આજકાલ દૈનિક સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે પબ્લિકના રોજિંદા કામો ન અટકે તે બાબત જ તેમની ટોપ પ્રાયોરિટીમાં રહેશે. ગવર્નિંગ બોડી નથી ત્યારે બધું વ્યવસ્થિત ચાલે તે મહત્વનું છે. પ્રજાકીય કામો પેન્ડિંગ ન રહે અને ડે ટુ ડે નિર્ણયો થતા રહે તે અંગે મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કરી છે તેમ ઉમેર્યું હતું.

વર્ષ ૨૦૦૭ની બેચના સિનિયર આઇએએસ ઓફિસર અને હાલ ગાંધીનગર ખાતે કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશન તેમજ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પદે કાર્યરત રેમ્યા મોહન હવે મહાપાલિકાની નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ જનરલ બોર્ડ મિટિંગ મળે ત્યાં સુધી વહીવટદાર તરીકે કાર્યરત રહેશે.

વિશેષમાં રાજકોટ મહાપાલિકા કચેરીમાં ઉપસ્થિત રહેવા અંગે રેમ્યા મોહનએ જણાવ્યું હતું કે, જરૂરિયાત મુજબ હાજરી આપતા રહેશે. આ ઉપરાંત મરણના દાખલામાં હવે કોર્પોરેટરોના દાખલા ચાલશે નહીં તેથી આ માટે શું વ્યવસ્થા નિર્માણ કરાશે તેવા સવાલના પ્રત્યુતરમાં તેમણે જણાવ્યું હતું કે અગાઉના વહીવટદાર શાસન વખતે આ મામલે જે પ્રકારે વ્યવસ્થા નિર્માણ કરાઇ હશે તેવી વ્યવસ્થા મ્યુનિ.કમિશનર અને જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરીને નિર્માણ કરાશે તેમ જણાવ્યું હતું.

રાજકોટ સર્કિટ હાઉસ ખાતે વહીવટદાર રેમ્યા મોહનનું મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ તેઓનું સ્વાગત કર્યું હતું. આ અવસરે પાંચેય નાયબ કમિશનર મહેશ જાની, પથિક પટેલ, ચેતન નંદાણી, હર્ષદ પટેલ અને સમીર ધડુક તેમજ સેક્રેટરી ધવલ જેસડીયા, પી.એસ. ટુ મેયર નીલેશ કાનાણી, પી.એસ. ટુ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિમાંશુ મોલિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.ત્યારબાદ વહીવટદાર રેમ્યા મોહનએ અધિકારીઓની ઔપચારિક પરિચય બાદ મીટીંગમાં વહીવટી પાંખ અને સેક્રેટરી શાખા વચ્ચેના કાર્ય સંકલન અંગે જરૂરી માહિતી પ્રાપ્ત કરી હતી.આ બેઠકમાં રાજકોટ મહાપાલિકાના ચારેય પાંચેય ડેપ્યુટી કમિશનર, સિટી એન્જીનીયર અતુલ રાવલ, પરેશ અઢિયા, બી.ડી.જીવાણી, ડીવાય.એસ.પી. આર.બી. ઝાલા, પી.એ.ટુ કમિશનર એન.કે.રામાનુજ, ડેપ્યુટી એન્જીનીયરો સહિતના અધિકારીઓ અને ઇજનેરો ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે વહીવટદાર રેમ્યા મોહનએ મહાપાલિકા કચેરી ખાતે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ ડેવલપ કરેલી એપ્લીકન્ટ સિસ્ટમ તેમજ નિર્માણાધિન પીએમયુ સેલ રૂમની ચાલતી કામગીરી પણ નિહાળી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે રેમ્યા મોહન ગત રાત્રે સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા અને વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ બપોરે જ ગાંધીનગર જવા રવાના થઇ ગયા હતા.

૨૦ વર્ષ બાદ વહીવટદાર શાસન; છેલ્લે ૨૦૦૫માં અલોરિયા વહીવટદાર હતા

રાજકોટ મહાપાલિકા કચેરીમાં છેલ્લે ૨૦૦૫માં વહીવટદાર શાસન આવ્યું હતું, જી.આર. અલોરિયાએ તા.૧૫.૧૦.૨૦૦૫થી ૨૭.૧૨.૨૦૦૫ સુધી વહીવટદાર તરીકે ફરજ બજાવી હતી. ત્યારબાદ હાલ વહીવટદાર તરીકે આજે રેમ્યા મોહનએ કાર્યભાર સંભાળ્યો હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application