રાજકોટમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં આવેલો પલટો કોઈ ભયાનક દ્રશ્ય જેવો સાબિત થયો હતો. શહેરમાં ફૂંકાયેલા 'મિનિ વાવાઝોડા' અને પ્રચંડ ધૂળની આંધીને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. પવનની ગતિ એટલી તેજ હતી કે જોતજોતામાં આખું શહેર ધૂળની ડમરીઓમાં લપેટાઈ ગયું હતું. બાદમાં ધોધમાર વરસાદ
ધૂળની આંધીમાં ઈમારતો અદૃશ્ય થઈ
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ અને રૈયા રોડ જેવા વિસ્તારોમાં ધૂળની એવી આંધી ફૂંકાઈ હતી કે બહુમાળી ઇમારતો અને ગગનચુંબી બિલ્ડિંગો ધૂળના ગોટેગોટામાં ગાયબ થઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વિઝિબિલિટી શૂન્ય થઈ જતાં રસ્તા પર દોડતા વાહનો થંભી ગયા હતા અને વાહનચાલકોએ અંધારાને કારણે હેડલાઇટ્સ ચાલુ રાખવાની ફરજ પડી હતી. જાણે કોઈ રણપ્રદેશમાં વાવાઝોડું આવ્યું હોય તેવો નજારો રાજકોટમાં જોવા મળ્યો હતો.
કરાનો વરસાદ: કાશ્મીર જેવો નજારો
ધૂળની ડમરીઓ બાદ વાતાવરણમાં જોરદાર ગાજવીજ શરૂ થઈ હતી અને અચાનક જ મોટા કદના કરા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તાર અને યુનિવર્સિટી રોડ પર કરાના ઢગલા થઈ ગયા હતા. રસ્તાઓ, અગાશીઓ અને બગીચાઓમાં સફેદ કરાના થર જામી જતાં થોડીવાર માટે રાજકોટમાં કાશ્મીર જેવો અહેસાસ થયો હતો. જોકે, આ કરાના કારણે અનેક વાહનોના કાચ અને કાચા મકાનોના નળિયાને નુકસાન પહોંચ્યું છે.
ભારે નુકસાનની ભીતિ
આ મિનિ વાવાઝોડાને કારણે શહેરના કેટલાક સ્થળોએ વિશાળ વૃક્ષો ધરાશાયી થયા છે અને વીજળીના થાંભલાને નુકસાન પહોંચતા અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. અનેક જગ્યાએ દુકાનોના શેડ અને હોર્ડિંગ્સ ઉડ્યા હોવાના પણ અહેવાલ છે. આ કમોસમી વરસાદ અને કરાને કારણે ખેતીના પાકને, ખાસ કરીને કેરી અને રવિ પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે હજુ પણ આગામી થોડા કલાકો સાવચેતી રાખવા અને વીજળીના ગડગડાટ સમયે ખુલ્લા મેદાન કે ઝાડ નીચે ઉભા ન રહેવા નાગરિકોને કડક સૂચના આપી છે.