BREAKING NEWS

દોઢ ઈંચ વરસાદમાં રાજકોટ જળબંબાકારઃ મંડપો, વૃક્ષો ધરાશાયી, રાજમાર્ગો પાણીમાં ગરકાવ, જનજીવન અસ્તવ્યસ્ત, ઘણી જગ્યાએ વીજળી ગુલ

  • March 19, 2026 05:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં આવેલા પલટાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. મિની વાવાઝોડા જેવી તેજ ગતિના પવન સાથે માત્ર એક કલાકમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર શહેર જળબંબાકાર થઈ ગયું હતું. તેજ પવન અને કરા સાથેના વરસાદને કારણે અનેક સ્થળોએ વૃક્ષો અને મંડપો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે, જેના પગલે મ્યુનિસિપલ કન્ટ્રોલ રૂમના ફોન સતત રણકતા રહ્યા હતા.


વરસાદના આંકડા: ક્યાં કેટલો વરસાદ?

રાજકોટના ત્રણેય ઝોનમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ

વેસ્ટ ઝોન: 36 મીમી (દોઢ ઇંચ)

ઇસ્ટ ઝોન: 36 મીમી (દોઢ ઇંચ)

સેન્ટ્રલ ઝોન: 32 મીમી (સવા ઇંચ)

માત્ર 60 મિનિટમાં ખાબકેલા આટલા વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને રાજમાર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા.


ભારે પવનથી મંડપો ધરાશાયી: ટુ-વ્હીલર દબાયા

વાવાઝોડાની તીવ્રતા એટલી વધુ હતી કે શહેરના અનેક વિસ્તારોમાં ઉભા કરાયેલા મંડપો પત્તાની જેમ ધરાશાયી થયા હતા. અંબિકા ટાઉનશીપ પાસે રસ્તા પર ઉભા કરાયેલા વિશાળ મંડપ પડવાને કારણે ત્યાં પાર્ક કરેલા અને પસાર થતા ટુ-વ્હીલરો દબાઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી મળ્યા નથી, પરંતુ વાહનોને મોટું નુકસાન થયું છે. 


મસાલા માર્કેટમાં તારાજી: વેપારીઓને મોટું નુકસાન

ઉનાળાની સિઝન હોવાથી ઠેર-ઠેર મસાલા માર્કેટ ભરાઈ છે, પરંતુ કુદરતે આજે વેપારીઓના શ્રમ પર પાણી ફેરવી દીધું છે. નાના મવા પાસે આવેલી મસાલા માર્કેટમાં તેજ પવનને કારણે મંડપો ધ્વસ્ત થઈ ગયા હતા. મસાલા ભરવા માટે રાખેલા ડબ્બા, મશીનો અને તૈયાર મસાલા બધું જ વેરવિખેર થઈ ગયું હતું. ખુલ્લામાં રહેલા મસાલા વરસાદમાં પલળી જતાં વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે.


શહેરના રાજમાર્ગો પાણી-પાણી

માત્ર દોઢ ઇંચ વરસાદમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. હેમુ ગઢવી હોલ પાસેના નાલામાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. અનેક વાહનો પાણીમાં ફસાઈ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી.


તંત્રની દોડધામ

વરસાદ અટકતાની સાથે જ ફાયર બ્રિગેડ અને કોર્પોરેશનની ટીમો કામે લાગી હતી. રસ્તા પર પડેલા વૃક્ષો હટાવવાની અને ભરાયેલા પાણીના નિકાલ માટેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. હાલમાં શહેરમાં ઠંડા પવન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ અચાનક આવેલી આ આફતે મધ્યમવર્ગીય વેપારીઓ અને સામાન્ય જનતાને મુશ્કેલીમાં મુકી દીધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News