BREAKING NEWS

આવતીકાલથી મહાપાલિકામાં વહીવટદાર શાસન

  • March 11, 2026 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાજપ શાસિત રાજકોટ મહાપાલિકામાં આજે ૨૦૨૧-૨૦૨૬ની ટર્મનો છેલ્લો દિવસ છે. આજે કચેરીના ક્લોઝિંગ અવર્સ સાથે જ તમામ પદાધિકારીઓ અને કોર્પોરેટરોની પાંચ વર્ષની મુદ્ત પૂર્ણ થશે. આવતીકાલથી વહીવટદાર શાસન લાગુ થઇ જશે. રાજકોટ મહાપાલિકામાં વહીવટદાર તરીકે ગાંધીનગર સ્થિત સિનિયર આઇએએસ રેમ્યા મોહનની નિમણુંક કરાઇ છે, તેઓ આવતીકાલે ચાર્જ સંભાળશે.

મહાપાલિકાના મુખ્ય પદાધિકારીઓ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા, શાસક પક્ષના દંડક અને ફાયર બ્રિગેડ કમિટી ચેરમેનએ તેમને હોદ્દાની રૂએ મળેલી સત્તાવાર કાર જમા કરાવી આપી છે તેમજ ઉપરોક્ત મુખ્ય પાંચ પદાધિકારી અને અન્ય ૧૫ કમિટી ચેરમેન સહિતના તમામની ચેમ્બરમાં લગાવેલી ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહની તમામ તસવીરો પણ દૂર કરાઇ છે. ક્લોઝિંગ અવર્સ સુધીમાં નેઇમ પ્લેટ્સ પણ દૂર કરવામાં આવશે. આજે શાસનકાળનો છેલ્લો દિવસ છે, આવતીકાલથી હવે મહાપાલિકાની ચૂંટણીના પરિણામો સુધી હવે સૌ કોમનમેન બની રહેશે.

હવે ગમે ત્યારે ચૂંટણી જાહેર થવાની શક્યતા વચ્ચે આચારસંહિતા અમલી બને તે પૂર્વે કરવા લાયક કામોમાં અધિકારીઓ અને ઇજનેરો વ્યસ્ત બન્યા છે. આવતીકાલથી અંદાજે દોઢથી બે મહિના સુધી વહીવટદાર રાજ રહેશે. આ સમયગાળામાં શહેરીજનોની ફરિયાદો પણ અધિકારીઓ જ સાંભળશે અને ફરિયાદો ઉકેલશે પણ અધિકારીઓ. જો કે મહાપાલિકામાં તો આજથી જ જાણે આચારસંહિતા લાગુ થઇ ગઇ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.

એકંદરે શાસનકાળના છેલ્લા દિવસે પદાધિકારીઓ અને કોર્પોરેટરો મહાપાલિકાની મુલાકાતે આવતા જ હોય છે પરંતુ આજે પ્રદેશ ભાજપ મહામંત્રી અને રાજકોટના સંગઠન પ્રભારી અનિરુધ્ધભાઈ દવે રાજકોટની મુલાકાતે આવ્યા હોય તેમજ બપોર સુધી તેમની મિટિંગનો દોર ચાલ્યો હોય બપોર સુધી એક પણ કોર્પોરેટર કચેરીમાં આવ્યા ન હતા. અલબત્ત કમલમ ખાતે મિટિંગ પૂર્ણ થયા બાદ મેયર નયનાબેન પેઢડીયા બપોરે બે વાગ્યે તેમની ચેમ્બરમાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application