BREAKING NEWS

રાજકોટમાં કોમર્શિયલ ગેસની કટોકટીના એંધાણ, વિતરણ બંધ થશે તો હોટેલ-રેસ્ટોરન્ટ બંધ કરવા પડી શકે

  • March 11, 2026 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધની સ્થિતિએ પેટ્રો કેમિકલ્સ પેદાશોને અસર પહોંચાડી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં કોમર્શિયલ ગેસના વિતરણ સંદર્ભે સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પૂરતો જે સ્ટોક અવેલેબલ હશે તે જ મળશે. તેમજ આવનારા સમયમાં નવો સ્ટોક ન પ્રાપ્ય બને આવે તેવી અટકળો સેવાઈ રહી છે. જો આવું બને તો હોટેલ અને રેસ્ટોરન્ટને ટકી રહેવું મુશ્કેલ બની શકે છે. તેમજ અનેક લોકોના ધંધા રોજગાર પર ગંભીર નકારાત્મક અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. આ કપરી સ્થિતિને ધ્યાને લઇને જિલ્લા પુરવઠા અધિકારીએ પેટ્રોલ, ગેસ, ઓઇલ માર્કેટિંગ સહિતની કંપનીઓ સાથે એક મહત્વપૂર્ણ મિટિંગ યોજી હતી. તેમજ આવનારા સમયમાં કોઈ પણ જાતની કટોકટી સર્જાઈ નહિ તે અંગે તાકીદ કરી મહત્વપૂર્ણ સૂચનો પણ કર્યા હતા.


ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા જંગએ પેટ્રોલ, ગેસ અને ડીઝલ જેવા અતિ મહત્વપૂર્ણ જથ્થાને મોટી માત્રામાં નુકશાન પહોંચાડતા તેની જ્વાળા રાજકોટ સુધી પહોંચી છે. રાજકોટ જિલ્લામાં હાલમાં કોમર્શિયલ ગેસનું વિતરણ ઉપલબ્ધ સ્ટોકના આધારે જ કરવામાં આવશે. તેમજ ઉપરથી નવો સ્ટોક આવી રહ્યો નથી. આ સ્થિતિમાં લોકોના રોજગાર ધંધાને માઠિ અસર પહોંચી શકે તેમ છે. આવનારા દિવસોમાં ખાસ કરીને હોટલ રેસ્ટોરન્ટ જેવા મહત્વપૂર્ણ રોજગાર ધંધા બંધ કરવા પડે તો નવાઈ નહિ. જાણકાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બજારમાં ગેસના જથ્થાને લઈને મોટી માત્રામાં કાળા બજારી ચાલી રહી છે. હોટલના ધંધા સાથે જોડાયેલા વગદાર લોકોએ ગેસ એજન્સી પાસેથી કોમર્શિયલ બાટલાનો મોટા પ્રમાણમાં સ્ટોક કરી લીધો છે. ત્યારે નાના ધંધાર્થીઓને પોતાની હોટેલ બંધ કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. ગેસ એજન્સીઓમાં બાટલાના બુકિંગ માટે લોકોનો મોટી માત્રામાં ધસારો થઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે, અને આગામી સમયમાં ગેસના જથ્થામાં તંગી સર્જાશે તેવી બીક લોકોને લાગી રહી છે.


ઘરેલુ ગેસ મળી રહે તે પ્રાથમિકતા : અજય જાપડા

આ કપરી સ્થિતિમાં જિલ્લા પુરવઠા અધિકારી અજય જાપડાએ તેમની ચેમ્બરમાં તમામ ઓઈલ માર્કેટીંગ કંપનીઓ તથા પેટ્રોલપંપ એસોસિએશન તથા ગેસ એજન્સી એસોસિએશન સાથે બેઠક કરી હતી. જેમાં પેટ્રોલ/ડીઝલ તથા ઘરેલું ગેસ વિતરણ વ્યવસ્થા વ્યવસ્થિત રીતે સુચારૂ જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે, પેટ્રોલ/ડીઝલ તથા ઘરેલું ગેસનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. લોકો કોઈ અફવામાં ન આવે અને ખોટું પેનીક ન સર્જાય. વિતરણ વ્યવસ્થામાં કોઈ પ્રશ્ન ન ઉદ્ભવે એ માટે પેટ્રોલપંપ ડીલરો તથા ગેસ એજન્સીના ડીલરો દ્વારા સમયસર તેમના ઇન્ડેન્ટ/નાણા એડવાન્સમાં ભરપાઈ થઇ જાય એ માટે તેઓને સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ ગેરકાયદે સંગ્રહ ખોરી કરતા ઈસમો વિરૂદ્ધ પડક પગલાં ભરવામાં આવશે અને બાટલો નોંધાવ્યા બાદ ૨૫ દિવસમાં પ્રાપ્ત થશે. આજની બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી અજય જાપડા, આઇઓસીએલ, એચપીસીએલ, બીપીસીએલ, નાયરા, રિલાયન્સ (જિઓ બીપી), શેલ કંપનીના અધિકારીઓ તથા પેટ્રોલપંપ એસોસિએશનના પ્રમુખ તથા ગેસ એજન્સી એસોસિએશનના પ્રમુખ તથા એલપીજીના ડીસ્ટ્રીકટ નોડલ ઓફિસર હાજર રહ્યા હતા.


કઈ કંપની કેટલો જથ્થો આપે છે ?

એલપીજી ગેસમાં આઇઓસીએલ ૬૫ ટકા એકલું પૂરું પાડે છે. જ્યારે બાકીનો જથ્થો એપીસીએલ અને બીપીસીએલ પૂરો પાડે છે. રાજકોટમાં ૧૦૦૦ જેટલા પીએનજી ગેસ કનેક્શન છે. 


પેટ્રોલ પંપની ૬ કંપનીઓના કેટલા પંપ ?

આઇઓસીએલ- ૧૦૮

બીપીસીએલ- ૮૨

એચપીસીએલ- ૮૭

સેલ- ૮

નાયરા- ૫૯

રિલાયન્સ- ૧૭ 


ત્રણ કંપનીઓની ગેસ એજન્સીની સંખ્યા

આઇઓસીએલ - ૪૨ 

પીપીસીએલ - ૨૦

એચપીસીએલ - ૪



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application