આજે દિલ્હી હાઈકોર્ટે ઈન્ડિગો કટોકટી અંગે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે પ્રશ્નો કર્યા હતા કે સરકારે આવી પરિસ્થિતિ શા માટે ઊભી થવા દીધી? અન્ય એરલાઈન્સને ૩૯,૦૦૦થી ૪૦,૦૦૦ રૂપિયા સુધી ભાડામાં વધારો કરવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી?. કોર્ટે સરકારને ઠપકો આપતા પૂછ્યું હતું કે આટલા સમયથી તમે શું કરી રહ્યા છો.
દિલ્હી હાઈકોર્ટ આવા સંકટ માત્ર મુસાફરોને અસુવિધા પહોંચાડતા નથી પરંતુ દેશના અર્થતંત્ર પર પણ સીધી અસર કરે છે. આજના સમયમાં, અર્થતંત્રને ચાલુ રાખવા માટે ઝડપી અને સરળ મુસાફરોની અવરજવર જરૂરી છે.
દિલ્હી હાઈકોર્ટે ઈન્ડિગોએ ડીજીસીએના નિયમો અનુસાર તમામ અસરગ્રસ્ત મુસાફરોને વળતર આપવું જોઈએ, વધુમાં જો આવી જોગવાઈ હોય તો નુકસાનની ભરપાઈ પણ કરવી જોઈએ, મંત્રાલયે આનું નિરીક્ષણ કરવું જોઈએ તેવો આદેશ આપ્યો હતો. તેમજ કેન્દ્ર સરકારે કાયદા મુજબ કાર્યવાહી કરવી જોઈએ. સરકાર પાસે ડીજીસીએ દ્વારા પસાર કરાયેલા આદેશોની સમીક્ષા કરવાની સત્તા છે. કલમ 19 લાઇસન્સ અથવા મંજૂરી પ્રમાણપત્રને પ્રતિબંધિત, સસ્પેન્ડ અથવા રદ કરવાની સત્તા આપે છે. આ કાયદા હેઠળ ઉલ્લંઘન દંડ અને બે વર્ષ સુધીની કેદ, એક કરોડ રૂપિયા સુધીનો દંડ અથવા બંને દ્વારા સજાપાત્ર છે તેવું જણાવ્યું હતું. આ ઉપરાંત હાઈકોર્ટે કેન્દ્ર સરકારે ખાતરી કરવી જોઈએ કે મુસાફરોને અસુવિધા ન થાય અને પરિસ્થિતિ સામાન્ય થાય, પૂરતા સ્ટાફ અને પાઇલટ્સની ભરતી કરવા આદેશ આપ્યો હતો.
દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું હતું કે ઇન્ડિગો કટોકટીને સંબોધવા માટે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હોવાથી, તે હાલમાં કટોકટીના કારણ અંગે કોઈ નિષ્કર્ષ આપી રહી નથી. ડીજીસીએ, સરકાર અને સમિતિએ કોર્ટની ટિપ્પણીઓથી પ્રભાવિત થયા વિના તેમના નિર્ણયો લેવા જોઈએ.
મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયાધીશ તુષાર રાવ ગેડેલાની ડિવિઝન બેન્ચ એક જાહેર હિત અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં ઇન્ડિગો કટોકટીની સ્વતંત્ર ન્યાયિક તપાસ અને જેમની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અથવા એરપોર્ટ પર ફસાયેલી હતી તેમને વળતર આપવાની માંગ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના વકીલે હાઈકોર્ટને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન નિયમો લાગુ કરવા માંગે છે. જુલાઈ અને નવેમ્બરમાં બાંયધરી આપવામાં આવી હતી. હાઈકોર્ટે ડીજીસીએ પર કાર્યવાહી ન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.
ડીજીસીએ હવે ઈન્ડિગો કટોકટી અંગે કેન્દ્ર સરકારની તપાસ હેઠળ
ડીજીસીએ હવે ઈન્ડિગો કટોકટી અંગે કેન્દ્ર સરકારની તપાસ હેઠળ છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ડીજીસીએની કામગીરીની તપાસ કરવામાં આવશે, ફક્ત એરલાઈનની જ નહીં. મંત્રીએ મુસાફરોને થયેલી અસુવિધા માટે માફી માંગી હતી અને જણાવ્યું હતું કે જવાબદારો સામે કડક અને યોગ્ય પગલાં લેવામાં આવશે. એક ડિસેમ્બરથી 4,000થી વધુ ઈન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે દિલ્હી એરપોર્ટથી મુસાફરી કરતા હજારો મુસાફરોની યોજનાઓ ખોરવાઈ ગઈ છે. સામાન્ય રીતે, દિલ્હી એરપોર્ટ દરરોજ આશરે 1.5 લાખ મુસાફરોને હેન્ડલ કરે છે, પરંતુ તાજેતરના સંજોગોને કારણે મુસાફરોના ટ્રાફિકમાં અચાનક ઘટાડો થયો છે. ખાસ કરીને વ્યવસાયિક પ્રવાસીઓના અભાવે શહેરના વ્યવસાયિક વાતાવરણ પર મોટી અસર પડી છે.