BREAKING NEWS

GST ના નામે કરોડોની વસૂલી: નાસિકમાં ડેપ્યુટી અને આસિસ્ટન્ટ કમિશનર 20 લાખની લાંચ લેતા ઝડપાયા; 1.25 કરોડનો હતો સોદો

  • March 11, 2026 09:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ના મુંબઈ યુનિટે નાસિકમાં એક અત્યંત હાઈ-પ્રોફાઈલ ઓપરેશન પાર પાડ્યું છે. રાજ્યના જીએસટી (GST) વિભાગમાં ફરજ બજાવતા બે વરિષ્ઠ અધિકારીઓ અને એક વચેટિયાની ૨૦ લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ધરપકડ કરવામાં આવી છે. આ અધિકારીઓએ એક વેપારી પાસે તપાસની પતાવટ કરવા માટે અધધ ૧.૨૫ કરોડ રૂપિયાની માંગણી કરી હતી.


ભ્રષ્ટાચારનું નેટવર્ક: કોણ કોણ ઝડપાયું?
ACB એ આ મામલે જીએસટી વિભાગના બે દિગ્ગજ અધિકારીઓ સહિત ત્રણ લોકોની કુંડળી શોધી કાઢી છે:
૧. સોમનાથ દત્તુ પાગે (૪૭): ડેપ્યુટી કમિશનર, સ્ટેટ ટેક્સ (GST), નાસિક ડિવિઝન.
૨. મછીન્દ્ર વિઠ્ઠલ દોંડે (૫૫): આસિસ્ટન્ટ કમિશનર, સ્ટેટ ટેક્સ (GST), નાસિક ડિવિઝન.
૩. અમિત હીરામણ જાદવ (૩૬): ખાનગી વ્યક્તિ (એજન્ટ), જે અધિકારીઓ વતી પૈસા ઉઘરાવવાનું કામ કરતો હતો.


કેવી રીતે ગોઠવાયું લાંચનું છટકું?
આ આખી ઘટના કોઈ ફિલ્મી ડ્રામાથી ઓછી નથી. એક વેપારીની પેઢી સામે ચાલી રહેલી GST તપાસનો ડર બતાવીને આ અધિકારીઓએ ખેલ શરૂ કર્યો હતો. અધિકારીઓએ શરૂઆતમાં કેસ રફેદફે કરવા ૧.૨૫ કરોડ માંગ્યા, જે વાટાઘાટોના અંતે ૧ કરોડમાં નક્કી થયા. 1 કરોડમાંથી પ્રથમ હપ્તા તરીકે 20 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. લાંચ આપવાને બદલે વેપારીએ મુંબઈ ACB નો સંપર્ક કર્યો. એજન્સીએ નાસિકના દામોદર ચોક પાસે છટકું ગોઠવ્યું અને જેવો વચેટિયો અમિત ૨૦ લાખ લેવા પહોંચ્યો કે તરત જ તેને દબોચી લેવાયો.


દરોડામાં શું મળ્યું?

વચેટિયાની ધરપકડ બાદ ACB ની ટીમે ડેપ્યુટી કમિશનર પાગેના ઘરે દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન તેમના ઘરેથી ૨ લાખ રૂપિયાની રોકડ મળી આવી છે. સાથે જ, આરોપીઓના મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં લાંચના સોદા અંગેના મહત્વના પુરાવા મળવાની શક્યતા છે.

સરકારી બાબુઓમાં ફફડાટ
આટલી મોટી રકમની લાંચ અને તેમાં પણ ડેપ્યુટી કમિશનર સ્તરના અધિકારીઓની સંડોવણીથી આખા મહારાષ્ટ્રના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ACB હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ અધિકારીઓએ અગાઉ પણ અન્ય વેપારીઓ પાસેથી આ રીતે કરોડો રૂપિયા પડાવ્યા છે?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application