મિડિલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈરાન યુદ્ધના કારણે ભારતની ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી (દવા ઉદ્યોગ) મુશ્કેલીમાં મુકાઈ છે. છેલ્લા બે અઠવાડિયામાં દવાઓ બનાવવામાં વપરાતા મુખ્ય કાચા માલ એટલે કે API (Active Pharma Ingredients) ની કિંમતોમાં અંદાજે 30 ટકા સુધીનો વધારો નોંધાયો છે. જો આ યુદ્ધ લાંબુ ખેંચાશે, તો ભારતીય બજારમાં દવાઓની કિંમતોમાં મોટો વધારો થઈ શકે છે.
કેમ વધી રહી છે દવાઓની કિંમત?
ભારત તેની દવાઓ બનાવવા માટે મોટાભાગનો કાચો માલ ચીનથી મંગાવે છે. યુદ્ધના કારણે સપ્લાય ચેઈનમાં નીચે મુજબના અવરોધો ઉભા થયા છે:
શિપિંગ ખર્ચમાં વધારો:
યુદ્ધને કારણે સમુદ્રી માર્ગો જોખમી બન્યા છે, જેનાથી Freightનો ખર્ચ બમણો થઈ ગયો છે. દરેક શિપમેન્ટ પર હવે 4,000 થી 8,000 ડોલરનો વધારાનો ચાર્જ લાગી રહ્યો છે.
તેલના ભાવની અસર:
દવાના ઉત્પાદનમાં વપરાતા સોલ્વન્ટ્સ પેટ્રોકેમિકલ્સમાંથી બને છે. તેલ મોંઘું થતા આ સોલ્વન્ટ્સના ભાવ પણ એક અઠવાડિયામાં 20 થી 30 ટકા વધી ગયા છે.
કન્ટેનરની અછત:
યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં માલવાહક જહાજોની અછત સર્જાતા કાચા માલનો પુરવઠો સમયસર પહોંચી રહ્યો નથી.
કઈ વસ્તુઓ કેટલી મોંઘી થઈ?
ઉદ્યોગના આંકડા મુજબ ડિસેમ્બર પછી અત્યાર સુધીમાં ભાવમાં નીચે મુજબનો ઉછાળો જોવા મળ્યો છે:
ગ્લિસરીન: કિંમતમાં આશરે 64 ટકાનો તોતિંગ વધારો.
પેરાસિટામોલ: તાવની સામાન્ય દવામાં વપરાતા APIના ભાવમાં 26 ટકાનો ઉછાળો.
ફાર્મા સોલ્વન્ટ્સ: માત્ર એક સપ્તાહમાં જ ભાવ 30 ટકા સુધી વધ્યા.
દવા કંપનીઓની સરકાર પાસે માંગ
ભારતમાં દવાઓના ભાવ સરકારના નિયંત્રણ હેઠળ (Price Control) હોય છે. ફાર્મા ઉદ્યોગનું કહેવું છે કે કાચા માલના ભાવ અચાનક આટલા વધી ગયા હોવાથી કંપનીઓ માટે આ નુકસાન સહન કરવું મુશ્કેલ છે. આથી, દવા ઉદ્યોગે સરકાર પાસે દવાઓની કિંમતોમાં વધારો કરવાની મંજૂરી માંગી છે.