સુરતના સચિન હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક નામાંકિત કેમિકલ કંપનીમાં ભયાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કેમિકલના ડ્રમ્સમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે ટૂંકા સમયમાં જ એક પછી એક 30થી વધુ હચમચાવી દે તેવા વિસ્ફોટો થયા છે.
ઘટનાની વિગત મુજબ, હોજીવાલા કમ્પાઉન્ડમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ લાગી છે. ફેક્ટરીમાં જ્વલનશીલ કેમિકલનો મોટો જથ્થો હોવાને કારણે આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. આગના કારણે કંપનીમાં રહેલા કેમિકલ સોલ્યુશનના ડ્રમ્સ ફાટવાનું શરૂ થયું છે. પ્રાથમિક અહેવાલો મુજબ 30થી વધુ બ્લાસ્ટ થતા આસપાસની અન્ય કંપનીઓમાં કામ કરતા શ્રમિકો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. આગના કાળા ધુમાડાના ગોટા દૂર સુધી આકાશમાં દેખાતા લોકોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે.
આગ કાબૂ બહાર જતી જોઈને સુરત ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો છે. ઘટનાસ્થળે સૌ પ્રથમ સ્થાનિક ફાયર સ્ટેશનની ગાડીઓ પહોંચી છે, પરંતુ આગની તીવ્રતા જોતા શહેરના વિવિધ ફાયર સ્ટેશનો અને નોટિફાઈડ એરિયાના ફાયર ફાઈટરોને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા છે. હાલમાં ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ અને ડઝનબંધ જવાનો દ્વારા હાઈડ્રોલિક પ્લેટફોર્મ અને ફોમ ટેન્ડરની મદદથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે.
સદનસીબે, આ ભીષણ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ પણ વ્યક્તિના દાઝવા કે જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. આગ લાગતાની સાથે જ કંપનીમાં હાજર શ્રમિકો અને સ્ટાફ સુરક્ષિત રીતે બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા. જોકે, કેમિકલ અને મશીનરી બળીને ખાખ થઈ જવાથી કંપનીને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે.
આગ વધુ ન પ્રસરે તે માટે આસપાસની કંપનીઓનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો છે અને પોલીસ કાફલાએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, કેમિકલની આગ હોવાથી તેને ઓલવવા માટે પાણીની સાથે સ્પેશિયલ ફોમનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ જ વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણી શકાશે.