BREAKING NEWS

રાજકોટ ફરી વળ્યું તંત્રનું બૂલડોઝર, 20 કાચા-પાકા ઝૂપડાનો સફાયો, 50 કરોડની જમીન ખુલ્લી કરાઈ

  • December 23, 2025 06:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ તાલુકાના વાવડી ગામમાં સરકારી ખરાબાની કિંમતી જમીન પર ગેરકાયદેસર દબાણ કરનારા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વાવડી ગામના સર્વે નંબર 149માં આવેલી આશરે 5000 ચોરસ મીટર સરકારી જમીન પર લાંબા સમયથી ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હતું, જેને આજે તંત્રના બુલડોઝર દ્વારા દૂર કરવામાં આવ્યું હતું.


આ કાર્યવાહી દરમિયાન મહાનગરપાલિકા, મામલતદાર કચેરી, પોલીસ વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગોની સંયુક્ત ટીમ હાજર રહી હતી. તંત્ર દ્વારા પૂર્વ સૂચના આપ્યા બાદ આજે સવારથી જ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સર્વે નંબર 149માં આવેલી સરકારી જમીન પર ખડકાયેલા કુલ 20 જેટલા કાચા તેમજ પાકા ઝૂંપડાઓ, તાત્કાલિક બનાવેલા મકાનો, લારીઓ અને અન્ય અનઅધિકૃત માળખાઓને તોડી પાડવામાં આવ્યા હતા. સમગ્ર કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.


વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, આ જમીન સરકારી ખરાબાની જમીન છે અને તેના પર કોઈપણ પ્રકારનું દબાણ કાયદેસર નથી. લાંબા સમયથી અહીં ગેરકાયદેસર રીતે વસવાટ અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની ફરિયાદો મળી રહી હતી. ફરિયાદોની તપાસ બાદ જમીન પરના દબાણો દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો.


ઉલ્લેખનીય છે કે, આજે ખાલી કરાવવામાં આવેલી આ 5000 ચોરસ મીટર જમીનની વર્તમાન બજાર કિંમત અંદાજે 50 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. આથી, સરકારી જમીનને દબાણમુક્ત કરી તેને સુરક્ષિત રાખવા માટે તંત્ર દ્વારા આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.


જિલ્લા વહીવટી અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરનારા સામે આગળ પણ આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ, લોકોએ કોઈપણ સરકારી જમીન પર અનઅધિકૃત બાંધકામ કે દબાણ ન કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application