BREAKING NEWS

રાજકોટમાં એર શો પૂર્વે કટારીયા ચોક મધરાતથી બંધ, પાંચ માસ બંધ રહેશે, ડાયવર્ઝન એક્ટિવ

  • December 04, 2025 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના સ્માર્ટ સિટી એરિયામાં અટલ સરોવરે રવિવારે યોજાનાર એર શો પૂર્વે મહાપાલિકાએ નાગરિકો જોગ કોઇ પણ પ્રકારની જાહેરાત કર્યા વિના ધૂમ લગ્નગાળા વચ્ચે ગત રાત્રે ૧૧ વાગ્યાથી કાલાવડ રોડનો કટારીયા ચોક એકાએક બંધ કરતા વાહનચાલકોમાં દેકારો બોલી ગયો હતો. ગત રાત્રે ૧૦ વાગ્યાથી બ્રિજ નિર્માણ કરતી એજન્સીએ રસ્તાની બંને બાજુ પોતાના બેરીકેડ લગાવી રોડ ઉપર બાંધકામ મટીરિયલ્સના ઢગલા ખડકી દેતા ત્યાંથી પસાર થતા વાહનચાલકોને કટારીયા ચોક બંધ થયાની જાણ થઇ હતી. આજે તા.૭ ડિસેમ્બર ૨૦૨૫થી પાંચ મહિના મતલબ કે એપ્રિલ -૨૦૨૬ સુધી ગ્વાલિયાથી તાલુકા પોલીસ સ્ટેશન થઇ કોસ્મો સુધીનો કાલાવડ રોડ બન્ને બાજુએથી બંધ રહેશે.


દરમિયાન આ અંગે મહાપાલિકાના વેસ્ટ ઝોનના સિટી એન્જીયર કે.કે.મહેતાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે કાલાવડ રોડ અને ન્યૂ રિંગ રોડ જંક્શન ઉપર રૂ.૧૬૭ કરોડના ખર્ચે કેબલ સ્ટેડ આઇકોનિક ફ્લાય ઓવર બ્રિજ અને અન્ડર પાસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, દરમિયાન નિર્માણ કાર્ય કટારીયા ચોક સુધી પહોંચતા ગ્વાલિયાથી કોસ્મોપ્લેક્સ સુધીનો કાલાવડ રોડ બન્ને બાજુથી બંધ કરવામાં આવ્યો છે. આ રસ્તો હવે આજથી પાંચ મહિના સુધી બંધ રહેશે. ડાયવર્ઝન રૂટ અગાઉથી જ એક્ટિવ હોય વાહન વ્યવહારને તકલીફ પડશે નહીં તેમ તેમણે ઉમેર્યું હતું.


હાલ મેરેજ સિઝન હોય અને શહેરના મોટા ભાગના પાર્ટી પ્લોટ્સ કાલાવડ રોડ તેમજ ન્યૂ રિંગ રોડ ઉપર આવેલા હોય ગતરાત્રે એવું બન્યું કે આ વિસ્તારમાં આયોજિત લગ્ન પ્રસંગોમાં હાજરી આપવા ગયેલા નાગરિકો પ્રસંગમાં ગયા ત્યારે કાલાવડ રોડ ઉપર કટારીયા ચોકમાંથી પસાર થઇ શકાતું હતું પરંતુ જ્યારે રાત્રે ૧૧ કલાકે ઘર તરફ પરત ફર્યા ત્યારે એકાએક આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો જેથી દેકારો બોલ્યો હતો અને થોડો સમય ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઇ હતી, આવા કારણોસર બેરિકેડિંગ કરી રહેલા કોન્ટ્રાકટર એજન્સીના સ્ટાફ સાથે પણ અમુક કારચાલકોને બોલાચાલી પણ થયાનું જાણવા મળે છે.


જો કે સમગ્ર મામલે સો મણનો સવાલ એ છે કે બ્રિજના કામે કટારીયા ચોક બંધ કરવાનો જ હતો તે સૌ સમજી શકે છે પરંતુ રાજકોટ મહાપાલિકા તંત્રએ ક્યારથી બંધ કરાશે તેની કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ કે નાગરિકો જોગ જાહેરાત નહીં કરતા ગત રાત્રે ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી અને સેંકડો કાર ચાલકોએ આ રૂટ ઉપરથી પરત ફરવું પડ્યું હતું.


ડાયવર્ઝન રૂટ એટલો સારો કે બ્રિજ બનાવવાની જરૂરિયાત ન જણાય!

કાલાવડ રોડના કટારીયા ચોકની બ્રિજને કામે બંધ કરતા પૂર્વે જે ડાયવર્ઝન રૂટ તૈયાર કરાયો છે તેમાં નવા ડામર રોડ તૈયાર કરવામાં છે, ખરેખર આ ડાયવર્ઝન રૂટના રોડ એટલા પહોળા અને સારા છે કે જો અગાઉથી આ રોડ જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હોત તો કાલાવડ રોડ અને ન્યૂ રિંગ રોડની ટ્રાફિક સમસ્યા આપોઆપ હલ થઇ જાત અને બ્રિજ નિર્માણ પાછળ ૧૬૭ કરોડનો ખર્ચ જ કરવો પડ્યો ન હોત તે હકીકત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application