BREAKING NEWS

રાજકોટથી ઈન્ડિગોની એક સાથે 8 ફ્લાઈટ કેન્સલ થતા મુસાફરોનો હોબાળો, 3,000થી વધુ લોકોને અસર

  • December 05, 2025 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના હીરાસર ખાતે આવેલા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ત્રીજા દિવસે પણ ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા એક સાથે આઠ  ફ્લાઈટ કેન્સલ કરવામાં આવતા મુસાફરોને પારાવાર સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જેમાં મુંબઈની ત્રણ, દિલ્હીની બે, હૈદરાબાદ, ગોવા અને બેંગ્લોરની એક-એક ફ્લાઈટનો સમાવેશ થાય છે. આ ફ્લાઈટ કેન્સલ થવાના કારણે કેટલાક મુસાફરોએ એરપોર્ટ ઓથોરિટી સામે રોષ ઠાલવવા માટે હોબાળો કર્યો હતો. 

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ એરપોર્ટ પરથી ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા સવારે 8 : 05 વાગ્યાની દિલ્હીની, 9 :00 વાગ્યાની મુંબઈ, 12 : 05 વાગ્યાની ગોવા, 3 : 55 વાગ્યાની હૈદરાબાદ, 4 :15 વાગ્યાની બેંગલુરુ, 4 : 55 વાગ્યાની મુંબઈ, 5 : 55 વાગ્યાની દિલ્હી, 7 : 55‌ વાગ્યાની મુંબઈની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. આમ ઈન્ડિગોની મોટાભાગની ફ્લાઈટ સતત બે દિવસથી કેન્સલ અથવા તો ડીલે થવાના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.


આ રીતે એકાએક ફ્લાઈટ કેન્સલ થવાના કારણે મુસાફરોએ પોતાનો રોષ ઠરાવ્યો હતો. કેટલાક મુસાફરોના જણાવ્યા પ્રમાણે એરપોર્ટ પર પહોંચ્યા પછી તેમને જાણ થાય છે. હિરાસર એરપોર્ટ રાજકોટ થી 36 કિલોમીટર દૂર આવેલું છે. જેથી એરપોર્ટ પર આવીને ધક્કો ખાવાના કારણે મુસાફરોના સમય શક્તિ અને નાણાનો વેડફાટ થાય છે. જોકે કેટલાક મુસાફરોને મેસેજ દ્વારા થોડા સમય પહેલા જાણકારી આપી દેવામાં આવે છે. પરંતુ લગ્ન પ્રસંગ અથવા તો કનેક્ટિંગ ફ્લાઈટમાં વિદેશ જવા માગતા દર્દીઓ સહિતના અનેક મુસાફરોને ભારે હલાકી પડી રહી છે. ફ્લાઈટ કેન્સલ થતા હવે રાજકોટ થી દિલ્હી અને મુંબઈ જવા માટે મુસાફરો ટ્રેનનો સહારો લઈ રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. 


સામાન્ય રીતે દર વર્ષે ડિસેમ્બર દરમિયાન લગ્ન સિઝન અને ક્રિસ્મસ વેકેશનના કારણે દેશભરમાં મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોય છે. પરંતુ આ વખતે દેશભરમાં ઈન્ડિગોની 200થી વધુ ફ્લાઇટ ગુરુવારે કેન્સલ થતા મુસાફરો દ્વારા દેશભરમાં ઠેર ઠેર એરપોર્ટ ઓથોરિટી અને એરલાઇન્સ સામે વિરોધ અને હોબાળો કરવામાં આવ્યો હતો. ત્યારે ઈન્ડિગો દ્વારા આજે પણ 250 થી વધુ ફ્લાઈટ દેશભરમાં કેન્સલ કરવામાં આવી હતી. જેમાં રાજકોટની આઠ ફ્લાઈટ નો સમાવેશ થતા અહીં 3,000થી વધુ મુસાફરો રજરી પડ્યા હતા.


મહત્વનું છે કે ડીજીસીએ દ્વારા સલામતીના નિયમોને કારણે ઈન્ડિગો સહિતની એરલાઇન્સમાં ક્રૂની અછત વર્તાઈ રહી છે. જેમાં સૌથી વધુ પ્રભાવી ઈન્ડિગો એરલાઇન્સના મુસાફરો થઈ રહ્યા છે. સતત ત્રીજા દિવસે ફ્લાઈટનું શેડ્યુલ ખોરવાતા મુસાફરોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. એક અહેવાલ મુજબ કેટલાક લોકો પોતાના અંગત સગા વહાલા ના લગ્ન પ્રસંગમાં પહોંચી શક્યા ન હોવાના કારણે રોષે ભરાયા હતા. તો કેટલાક બિઝનેસમેન પોતાની બિઝનેસ મિટિંગમાં પહોંચી શક્યા ન હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application