BREAKING NEWS

સિવિલમાં દવાની દુકાન બંધ કરવા પાછળ રેડક્રોસ સોસાયટીના સંચાલકો ધૂણીને જવાબ આપતા નથી, દવા માટે કણસતા દર્દીઓ

  • December 16, 2025 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રેડ ક્રોસ સોસાયટી સંચાલિત પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર (મેડિકલ)ને છેલ્લા ત્રણથી ચાર દિવસથી તાળા લાગી જતા દર્દીઓ દવા માટે હેરાન પરેશાન થઇ રહ્યા છે. આ પાછળનું સચોટ કારણ રેડ ક્રોસ સોસાયટીના હોદેદારો અને આ મેડિકલ સ્ટોરના સંચાલકો શું છે એ જણાવી રહ્યા નથી. જેને લઈને અનેક શંકાઓ સાથેની વાતોએ સિવિલનું કેમ્પસ ગજવ્યું છે. બીજી બાજુ આ મેડિકલ બંધ કર્યાની જાણ પણ હોસ્પિટલના જવાબદારોને કરવામાં આવી ન હોવાથી હોસ્પિટલ તંત્ર તરફથી મેડિકલ સ્ટોરને કારણ દર્શક નોટીશ ફટકારવામાં આવી છે. એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, સરકારની ગાઈડ લાઈન મુજબ હોસ્પિટલને જીએમએસસીએલમાંથી દવાની સપ્લાય કરવામાં આવે છે એ દવા ન મળે અને બહારથી દવાની ખરીદી કરવાની હોય તો પ્રથમ ખરીદી પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રમાંથી કરવી ફરજીયાત છે. અને આ દવા જન ઔષધિ કેન્દ્રના લીસ્ટમાં આવતી હોય તો જ આપવાની હોય છે પરંતુ રેડ ક્રોસ સોસાયટી સંચાલિત મેડિકલ સ્ટોરએ બધી જ લિમિટ ક્રોસ કરી દીધી હોય તેમ લિસ્ટ બહારની દવા અને ઓર્થો વિભાગના પાર્ટ્સ સહિતની બ્રાન્ડેડ દવાઓ પણ ઉંચા ભાવે વેંચાણ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના કારણે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સ્ટોર બંધ કરવા માટે કહેવાયું છે. જો કે હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવામાં આવ્યું છે કે, જો ગાંધીનગર આરોગ્ય વિભાગમાંથી સૂચના આપવામાં આવી હોય તો અમોને પણ જાણ કરવામાં આવે છે પરંતુ આ વિશે હોસ્પિટલને કોઈ જાણ કરવામાં આવી નથી. આ વાતને લઈને રાજ્યના આરોગ્ય વિભાગમાંથી મેડિકલ સ્ટોર્સ બંધ થયાનો છેદ ઉડી રહ્યો છે.


હાલ તો સરકારી હોસ્પિટલમાં દવાની વ્યવસ્થા અને રેડ ક્રોસ સોસાયટીના સંચાલકોનું ભેદી મૌન વચ્ચે દર્દીઓ દવા માટે રીતસર કણસી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો સરકાર દવારા તમામ સરકારી સિવિલ હોસ્પિટલમાં રેડ ક્રોસ સોસાયટી સંચાલિત જન ઔષધી કેન્દ્ર શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. આ પાછળ પણ રાષ્ટ્રીય લેવલના એક રાજકીય નેતાનો પરિવાર સામેલ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે વાસ્તવમાં મેડિકલ બંધ કરવા પાછળનું કારણ શું છે એ રેડક્રોસ સોસાયટીના સંચાલકો ધૂણીને જવાબ આપે તો જ ખરી વિગતો સામે આવી શકે છે. અને આવનારા દિવસોમાં દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલ તંત્ર અને સરકારનું આરોગ્ય વિભાગ શું ઝડપથી વ્યવસ્થા ગોઠવે છે એ પણ જોવું રહ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application