ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10,ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે અને પરીક્ષા પૂરી થયાના બીજા જ દિવસથી એટલે કે આજથી પેપર ચકાસણીની કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.
રાજકોટ શહેર જિલ્લામાં 37 સહિત સમગ્ર રાજ્યમાં કુલ 454 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર શરૂ કરી દેવામાં આવ્યા છે અને તેમાં સરકારી અને ખાનગી શાળાઓના શિક્ષકોને આ માટે ઓર્ડર કરવામાં આવ્યા છે. બોર્ડના અધિકારીઓના જણાવ્યા મુજબ ફુલ 75821 શિક્ષકોને પેપર મૂલ્યાંકન માટેની જવાબદારી સોંપવામાં આવી છે. ધોરણ 10 માં 213 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો છે અને તેમાં 39962 શિક્ષકોને પેપર ચકાસણીની કામગીરી સોપવામાં આવી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 29,804 શિક્ષકો પેપર ચકાસણીની કામગીરી 172 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં કરી રહ્યા છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 69 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો છે અને તેમાં 9095 શિક્ષકોને પેપર ચકાસણીની કામગીરી સોંપવામાં આવી છે.
બોર્ડની આ પરીક્ષામાં મુખ્ય વિષયોની સંખ્યા 37 હતી. તેમાંથી રાજકોટ શહેર અને જિલ્લાના જુદા જુદા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં મહત્વના મોટાભાગના વિષયોના પેપર ચકાસણી માટે આવ્યા છે.
બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ એપ્રિલ માસમાં સૌપ્રથમ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે. કોલેજોમાં આ વર્ષે પણ જીકાસ મારફતે એડમિશન આપવામાં આવનારા છે અને તારીખ પેલી એપ્રિલથી કવિક રજીસ્ટ્રેશન કોલેજોમાં એડમિશન માટે જીકાસ દ્વારા શરૂ કરવામાં આવશે. આ બાબતને ધ્યાનમાં રાખી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામો તાત્કાલિક જાહેર કરવામાં આવશે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં હજુ ગુજકેટની પરીક્ષા લેવામાં આવી નથી અને તે તારીખ 29 ના રોજ લેવામાં આવશે. ગુજકેટની પરીક્ષા પૂરી થયા પછી તેના અને મુખ્ય પરીક્ષાના માર્ક એક સાથે ગણીને પરિણામ જાહેર કરવામાં આવશે. તે જોતા એપ્રિલ માસના અંતિમ સપ્તાહમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થાય તેવું લાગે છે.