હવે માથાભારે અને લુખ્ખા તત્વોને પોલીસનો પણ ખૌફ ન રહ્યો હોય તેમ મારમારીના આરોપીઓએ પ્ર.નગર પોલીસ મથકમાં ધમાલ મચાવી પીએસઆઈ સહિતના કર્મચારીઓને ગાળો ભાંડી, પટ્ટા ઉતરાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે રૂમનો દરવાજો બંધ કરી દેતા જોરજોરથી દરવાજા પર પાટા માર્યા હતાં. ઉપરાંત તારી નોકરી ચાલી જાય, તું અત્યારે જ મરી જાય, તને હાર્ટ એટેક આવી જાય તેમ કહી બદદુઆ પણ આપી હતી. આ અંગે પ્ર.નગર પોલીસની ટીમે બે મહિલાઓ સહીત ચાર વિરુદ્ધ અલગ અલગ ત્રણ ગુના નોંધ્યા છે.
પ્ર.નગર પોલીસ મથકમાં ફરજ બજાવતા એલઆરડી જવાન કાનાભાઈ બાથાભાઈ મીરે સદામ સમીર ડોસાણી, સમીર દાઉદ ડોસાણી, સાયદા સમીર ડોસાણી અને રૂક્સત મુનાફ બાનાણી વિરૂધ્ધ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.૧૩/૧૨/૨૦૨૫ ના રાત્રીના આઠ વાગ્યે પીએસઆઈ કે કે ચાવડા અને ફરિયાદી પોલીસ મથકમાં ઇન્વેમાં ફરજ બજાવતા હતા. દરમીયાન રાત્રે સાડા દસ વાગ્યે ૧૧૨ જનરક્ષકમાં ફરજ પરના સ્ટાફ સતરૂપીબેન સલીમભાઈ દાઉદભાઈ ડોસાણીને લઈને આવેલ હતા. જયારે સામેવાળા સાદાન (સદામ) તથા સમીર દાઉદભાઈ ડોસાણીને પણ લઈને આવેલ હતા. સદામ તથા સમીર ડોસાણીએ અમે અરજીનું નિવેદન લખતા હતા ત્યારે બન્ને બાપ દિકરો અપશબ્દો બોલવા લાગેલ હતા. ત્યારે પોલીસે બંને પિતા-પુત્રોને અપશબ્દો નહિ બોલવા સૂચના આપી હતી. તેમ છતા અટકયા ન હતા. બાદમા અરજી લીધા બાદ સમીર કહેવા લાગેલ કે, તેઓને હાથમા વાગેલ છે. જેથી પીએસઆઈ કે.કે. ચાવડાએ તેને દવાખાને દવા લેવા માટે જવાની સલાહ આપી હતી.
બાદમા સદામની અરજીના કામે પુપરછ કરતા તે જોરજોરથી બોલવા લાગેલ અને કહેવા લાગેલ કે, હુ તો જેલમાં જઈને આવેલ છુ, મને કોઈ પોલીસની બીક નથી લાગતી કહી પોતાની રીતે દીવાલ સાથે માથા ભટકાડવા લાગેલ હતો અને ગાળો બોલવા લાગેલ હતો. બાદમાં તેણે પીએસઆઈ અને એલઆરડી જવાનને "મને અહીંથી બહાર નિકળવા દો તમને બન્નેને જાનથી મારી નાખીશ' કહી મારવા દોડેલ હતો. જેથી પોલીસે તેને પકડી લીધેલ હતો.
બાદમાં સદામે ઉશ્કેરાઇ જઈ મહિલા પીએસઆઈ કે.કે. ચાવડા અને એલઆરડી જવાન પર હુમલો કરવા લાગેલ હતો. જેથી પોલીસે રૂમનો દરવાજો બંધ કરવો પડેલ હતો. બાદમા સદામ જોર જોરથી બુમો પાડવા લાગેલ હતો. જેથી બહાર રહેલા તેના પિતા સમીર, માતા સાયદા તથા રુક્સત મુનાફભાઈ બાનાણી ઇન્વેરૂમના દરવાજાને જોર જોરથી લાતો મારવા લાગેલ હતો. જેથી પીએસઆઈ અમે એલઆરડી જવાને તોફાનીઓને રોકવાનો પ્રયાસ કરતા સમીર, સાયદા તથા રુક્સત ત્રણેય પોતાના ફોનમા વીડીયો ઉતારવા લાગેલ અને ત્રણેયએ ધમકી આપેલ કે, તારો વીડીયો કમીશ્નરને સવારે બતાવીશ, તારા પટ્ટા ઉતરાવી દેવા છે, તારી નોકરી કઢાવવી છે, તુ જો સવારે કમીશ્નર પાસે જવુ છે, તમને બધાને મારા ગરીબની હાય છે, અલ્લા કરે તુ અત્યારેને અત્યારે મરી જાય તને અત્યારેજ હાર્ટ અટેક આવી જાય, તારી નોકરી જતી રહે, મારી બદદુઆ છે કહીને સાથે ઝપાઝપી કરવા લાગેલ હતો.
જયારે આ અંગે નોંધાયેલી અન્ય એક ફરિયાદમાં રૂખડીયાપરાના ફ્રૂટના વેપારી સલીમભાઈ દાઉદભાઈ ડોસાણી(ઉ.વ. ૪૨) એ ચારેય આરોપીના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા. ૧૩/૧૨/૨૦૨૫ના રોજ રાત્રીના ઘરે આવેલ ત્યારે મારી પત્ની સલમાબેને જણાવેલ કે સદામ નશો કરીને નાગરીક બેંકે પુત્ર સાહીલની રેકડીએ ગયો હતો અને સાહીલ સાથે બોલાચાલી અને હાથાપાયી કરેલ હતી. જેથી યુવાન બાજુમા રહેતા મારા મોટાભાઈ સમીરભાઈના ઘરે મારા ભત્રીજા સાદાનને સમજાવવા માટે ગયા હતાં. ત્યારે સાદાને ત્યાં ઘરમાં પડેલ ધોકો લઇને મને પગમા બે-ત્રણ ઘા મારેલ હતા. બે ઘા કમરમા જમણી બાજુએ મારેલ અને મારા મોટાભાઈ તથા સાદાને મને ધમકી આપેલ કે, અહીંથી જતો રહે નહીં તો તને અને તારા આખા પરીવારને જાનથી મારી નાખીશ. જયારે અન્ય આરોપીએ મદદગારી કરી હતી. બીજી બાજુ ફરિયાદીને જમણા પગમાં ફ્રેક્ચર થયાનું તબીબે જાહેર કર્યું હતું.
સદામ નશાની હાલતમાં હોય તે અંગે પણ ગુનો નોંધાયો
સદામ પોલીસ મથકમાં પોતાનું સંતુલન જાળવી શકતો ન હોય પોલીસે તેની તપાસ કરતા તે નશાની હાલતમાં હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી પોલીસે તેના વિરુદ્ધ પ્રોહીબીશનની કલમો હેઠળ અલગથી ગુનો નોંધ્યો હતો.