આણંદપર ખાતે ગમે ત્યારે તંત્ર ત્રાટકશે; ડિમોલિશનની તૈયારીઓ તેજ
આણંદપર ખાતે ગમે ત્યારે તંત્ર ત્રાટકશે; ડિમોલિશનની તૈયારીઓ તેજ
March 10, 2026 04:03 PM
રાજકોટ જિલ્લામાં થોડા સમયથી તંત્ર દ્વારા દબાણ યુક્ત જમીન સામે આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ કલેકટર તંત્ર દ્વારા આણંદપર ખાતેની જમીનમાં થયેલા દબાણ દૂર કરવા સંદર્ભે એક સપ્તાહની અંદર ડિમોલિશનની કામગીરી કરવામાં આવનાર છે. તંત્રની નોટિસ મળતાની સાથે જ અમુક લોકોએ સ્વૈચ્છિક જ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં થોડા સમય પૂર્વે જ જંગલેશ્વર ખાતેની દબાણ યુક્ત જમીનને કોર્પોરેશન દ્વારા ખાલી કરાવવામાં આવી હતી. એ સિવાયની જંગલેશ્વરની દબાણ યુક્ત જમીનનો કેસ ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટ કલેકટર તંત્રએ આણંદપર ખાતે સર્વે નંબર 207 પૈકી ૪૦૦૦ ચો.મી. દબાણ યુક્ત જમીનને ખાલી કરવા નોટિસ પાઠવી છે. અંદાજે 3 કરોડ રૂપિયાની કિંમત ધરાવતી આ જમીનમાં બહારથી આવેલા પરપ્રાંતીય પરિવારોએ માલ ઢોરના વાડા બનાવી છેલ્લા ૫થી ૬ વર્ષમાં રહેણાંક વસાવી લીધું હતું. જેમાં કુલ ૪૨ જેટલા રહેણાંકનો સમાવેશ થાય છે. જેમાં ૨૦ જેટલા આસામીઓને દબાણ સંદર્ભે નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસ મુજબ દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવા ૭/૩/૨૬ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જેથી અમુક લોકોએ પોતાની રીતે સ્વૈચ્છિક જ દબાણ દૂર કરવાનું શરૂ કરી દીધું છે. એ સિવાય અમુક લોકો ઘરને તાળા મારીને ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા હોવાનું તંત્રના ધ્યાને ચડ્યું છે. જોકે તંત્રએ હવે આકરું વલણ દાખવ્યું છે અને આવનારા એક અઠવાડિયાની અંદર તંત્ર દબાણ યુક્ત જમીન પર બલ્ડોઝર ફેરવી દેશે.