ગુજરાતમાં આજે ફરી મુખ્ય શહેરોમાં આવેલી પાસપોર્ટ ઓફિસ, હેડ પોસ્ટ ઓફિસ અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેઈલ મળતા સમગ્ર પોલીસ તંત્ર અને વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આજે રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરા, ભાવનગર અને જૂનાગઢમાં બોમ્બની ધમકી મળતા બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી.
રાજકોટમાં આજે બપોરે બરાબર 12:00 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો. ધમકીભર્યા ઈ-મેઈલમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજકોટની હેડ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે અને બપોરે 12:15 વાગ્યે બ્લાસ્ટ થશે. આ સમાચાર મળતાની સાથે જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
રાજકોટના એસીપી બી.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, ધમકી મળતાની સાથે જ રાજકોટ એ-ડિવિઝન પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને એસઓજીની અલગ-અલગ ટીમો દ્વારા બંને કચેરીઓને કોર્ડન કરી લેવામાં આવી હતી. ઓફિસમાં હાજર તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારોને તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર કાઢી બિલ્ડિંગ ખાલી કરાવાયું હતું. સાયબર ક્રાઈમ દ્વારા ઈ-મેઈલના સોર્સની તપાસ તેજ કરવામાં આવી હતી.
અમદાવાદની મુખ્ય પાસપોર્ટ ઓફિસને પણ ઈ-મેઈલ દ્વારા ધમકી મળી હતી, જેના પગલે પોલીસની સ્પેશિયલ ટીમો રવાના કરવામાં આવી હતી. તેવી જ રીતે, ભાવનગરમાં હેડ પોસ્ટ ઓફિસમાં કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્રને પણ ઉડાવી દેવાની ધમકી મળી હતી. જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસને પણ ફરી એકવાર નિશાન બનાવવામાં આવી હતી, જેનાથી સ્થાનિક રહીશોમાં ચિંતા વ્યાપી ગઈ હતી.
સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી મુખ્ય પાસપોર્ટ ઓફિસ અને મહિધરપુરા પોસ્ટ ઓફિસના ઓફિશિયલ આઈડી પર ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. આ મેઈલની ખાસ વાત એ હતી કે તે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં લખાયેલો હતો. મેઈલમાં બિલ્ડિંગને ઉડાવી દેવાનો સ્પષ્ટ ઉલ્લેખ હતો. ઉમરા પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે કલાકો સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. અરજદારોની લાંબી લાઈનો વચ્ચે અચાનક ઓફિસ ખાલી કરાવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
વડોદરાની જાણીતી પારુલ યુનિવર્સિટીને પણ નિશાન બનાવવામાં આવી હતી. આ યુનિવર્સિટીમાં ભારતના 29 રાજ્યો અને વિશ્વના 75થી વધુ દેશોના અંદાજે 65,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. યુનિવર્સિટીના કેમ્પસમાં બોમ્બ હોવાની ધમકી મળતા જ ગ્રામ્ય એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમોએ આખા કેમ્પસને કોર્ડન કર્યું હતું. હજારો વિદ્યાર્થીઓ અને સ્ટાફને ખુલ્લા મેદાનમાં ખસેડીને હોસ્ટેલ અને શૈક્ષણિક ભવનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસના ઉચ્ચ અધિકારીઓના મતે, આ તમામ ધમકીઓ એક જ પ્રકારની પેટર્ન ધરાવે છે. મોકલનાર શખ્સે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાનું લોકેશન છુપાવવાનો પ્રયાસ કર્યો હોઈ શકે છે. સાયબર ક્રાઈમની ટીમો આઈપી એડ્રેસ અને સર્વર લોગ્સના આધારે તપાસ કરી રહી છે. પોલીસે લોકોને અફવાઓથી ન ડરવા અને કોઈપણ શંકાસ્પદ વસ્તુ દેખાય તો તરત જ 100 નંબર પર જાણ કરવા અપીલ કરી છે.
અત્યાર સુધીની તપાસમાં ક્યાંયથી પણ કોઈ વિસ્ફોટક મળી આવ્યું નથી, જે સૂચવે છે કે આ કદાચ સરકારી તંત્રને પરેશાન કરવા અથવા દહેશત ફેલાવવા માટે કરવામાં આવેલી ખોટી ધમકી હોઈ શકે છે. જોકે, પોલીસ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી અને દરેક જગ્યાએ તપાસ કરી હતી.
ક્યાં શહેરમાં કઈ કચેરીને ધમકી મળી?
રાજકોટ- પાસપોર્ટ-પોસ્ટ ઓફિસ
ભાવનગર- પાસપોર્ટ ઓફિસ
જુનાગઢ- પોસ્ટ ઓફિસ
મોરબી- પોસ્ટ ઓફિસ
સુરત- પાસપોર્ટ- પોસ્ટ ઓફિસ
વડોદરા- પારૂલ યુનિ.
ગોધરા- પોસ્ટ ઓફિસ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application41.6 ડિગ્રી સાથે સમગ્ર દેશમાં રાજકોટ-સુરેન્દ્રનગર હોટ સિટી, બે દિવસ ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે
March 10, 2026 04:15 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
