રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લામાં ભાદરા ગામે યોજાયો 'પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ'
રાજ્યપાલએ કૃષિ સખી, કિસાન મિત્રો તેમજ ખેડૂતોને સંબોધીને પ્રાકૃતિક કૃષિ અંગે પ્રેરણા આપી
રાજ્યપાલએ 'સેવા સેતુ' કાર્યક્રમ અને પ્રાકૃતિક કૃષિના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી: વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી મહત્વનું યોગદાન આપી શકે છે
-રાસાયણિક ખેતીમાં પાણી અને રાસાયણિક ખાતરનો ખર્ચ વધુ છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં ખૂબ ઓછા ખર્ચે વધુ પાક મળે છે
પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઘટતું નથી પણ ઉત્તરોત્તર વધતું જાય છે.
-દેશી ગાય એ પ્રાકૃતિક ખેતીનો આધારસ્તંભ છે; ગૌમૂત્ર અને છાણના ઉપયોગથી પ્રાકૃતિક ખેતીમાં ઝેરમુક્ત પેદાશો મેળવી શકાય છે
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે 'ગ્રામ કલ્યાણ કાર્યક્રમ' યોજાયો હતો. જે અંતર્ગત 'સેવા સેતુ' કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અભિયાન જન આંદોલન બન્યું છે. ગુજરાતમાં સૌપ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના હાલોલમાં કરવામાં આવી છે. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરવાનો મુખ્ય ઉદ્દેશ્ય ઝેરમુક્ત ખેતપેદાશ પૂરી પાડીને જમીન અને નાગરિકો બંનેને સ્વસ્થ રાખવાનો છે. રાસાયણિક ખેતીને કારણે આપણી ધરતીની ઓછી થયેલી ફળદ્રુપતાને પુનઃ મેળવવા અને ભૂગર્ભ જળસ્તર જાળવવા માટે હવે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે. પ્રાકૃતિક કૃષિ એ ઇશ્વરીય કાર્ય છે.
રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, સુવિધાયુક્ત રસોડામાં રસોઈ બનાવનાર ન હોય તો જમવાનું ન બને તેમ પાક માટે રસોઈ બનાવવાનું કામ અળસિયા અને મિત્ર કીટકો કરે છે. યુરિયા, ડીએપી અને ઝેરી જંતુનાશકોના અતિશય વપરાશથી જમીનના મિત્ર ગણાતા અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામ્યા છે. વધુમાં રાસાયણિક ઝેર ખેતપેદાશમાં ભળીને કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું કારણ બની રહ્યું છે. ખાતર વાયુમાં મળીને પ્રદુષણ ફેલાવે છે અને જમીનથી પાણીમાં મળીને પાણીને ઝેરયુક્ત બનાવે છે. જો પ્રાકૃતિક કૃષિ નહીં અપનાવીએ તો જમીન ખેતી માટે અયોગ્ય બની જશે.
આ પ્રસંગે જિલ્લા કલેકટર કેતન ઠક્કરે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે ૧૪૦ ક્લસ્ટર કાર્યરત કરાયા છે અને ૧૫૦થી વધુ સી.આર.પી. તથા કૃષિ સખીઓ માસ્ટર ટ્રેનર તરીકે ખેડૂતોને તાલીમ આપી રહી છે. આ વર્ષે અંદાજે ૧,૪૮૮ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ કર્યો છે, જેના માર્ગદર્શન માટે જિલ્લામાં ૩૧ બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર્સ અને ૨૧૬ મોડલ ફાર્મ તૈયાર કરવામાં આવ્યા છે.
ખેડૂતોના આર્થિક ઉત્કર્ષની વિગતો આપતા કલેકટરએ ઉમેર્યું હતું કે, ઓક્ટોબર-૨૦૨૫ના કમોસમી વરસાદ સામે ૧.૪૦ લાખથી વધુ ખેડૂતોને રૂ. ૪૮૪.૮૮ કરોડની સહાય સીધી ડીબીટી મારફત ચૂકવવામાં આવી છે, જ્યારે ટેકાના ભાવે ખરીદી અંતર્ગત ખેડૂતોને રૂ.૧૬૨૧.૨૪ કરોડનું ચુકવણું કરાયું છે. 'એગ્રીસ્ટેક' પ્રોજેક્ટ હેઠળ ૯૨% પ્લોટનો ડિજિટલ સર્વે પૂર્ણ થયો છે અને પશુપાલન ક્ષેત્રે 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના' હેઠળ ગૌશાળાઓને રૂ. ૩.૭૭ કરોડની સહાય ફાળવવામાં આવી છે. અંતમાં, તેમણે રાજ્યપાલના માર્ગદર્શન હેઠળ જામનગરના ખેડૂત વધુ સમૃદ્ધ અને પ્રાકૃતિક ખેતી તરફ વળશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી.
આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર બી.એ. પટેલે પ્રાકૃતિક ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક સમજ આપીને તેના દ્વારા ખેતી ખર્ચમાં ઘટાડો કરી, જમીનની ફળદ્રુપતા વધારીને કેવી રીતે વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકાય તે અંગે તેમણે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમ પૂર્વે રાજ્યપાલનું ગાર્ડ ઓફ ઓનર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મહાનુભાવોનું સ્વાગત મિલેટ બાસ્કેટ દ્વારા કરવામાં આવ્યું હતું. કલેક્ટરએ મોમેન્ટો દ્વારા રાજ્યપાલને આવકાર્યા હતા. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી શારદા કાથડે આભાર દર્શન કર્યું હતું.
આ સાથે જ રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિ અંગેના સ્ટોલની પણ મુલાકાત લીધી હતી. આ તકે આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં આવકના દાખલા, આયુષ્માન કાર્ડ, રસીકરણ કેમ્પ, કૃષિ અને પશુપાલનલક્ષી જાણકારી સહિતની સરકારની અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભો ગ્રામજનોને ઘર આંગણે પૂરા પાડવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ગામોના સરપંચઓ, રાજ્યપાલના અગ્રસચિવ અશોક શર્મા, નાયબ વનસંરક્ષક અરૂણ કુમાર, પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ અને કૃષિ સખીઓ, સી.આર.પી. કિસાન મિત્રો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application41.6 ડિગ્રી સાથે સમગ્ર દેશમાં રાજકોટ-સુરેન્દ્રનગર હોટ સિટી, બે દિવસ ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે
March 10, 2026 04:15 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
