ગૃહમંત્રી હર્ષ સંઘવીને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી બેફામ ગાળો ભાંડી ખૂનની ધમકી આપનાર આસિફે મિત્રના ઘરેથી જ રૂ. 1.50 લાખની ચોરી કરી હતી. જેથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન સાયબર ક્રાઇમની ટીમે આસિફને હૈદરાબાદથી ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું.
કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રસુલપરામાં હુસેની ચોક પાસે રહેતા સલમાનભાઈ કરીમભાઈ નકુમ (ઉ.વ.34) દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તારીખ 19/5/2025 ના સાંજના આઠેક વાગ્યા આસપાસ યુવાનના મોટા બાપુ ગુલમહંમદભાઈ રૈયાના પુત્ર અનીષના લગ્ન જે ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાલપરી વિસ્તારમાં રહેતા હોય ત્યાં હોય જેથી યુવાનના પરિવારના સભ્યો પ્રસંગમાં ગયા હતા અને ઘરને તાળું મારી ચાવી મિત્ર આશિફ ઉર્ફે બુઢો હનીફભાઇ કુંઢા જે દરરોજ નાના-મોટા કામમાં યુવાન સાથે રહેતો હોય તેને આપી હતી.
તા. 20/5/2025 ના બપોરના 2:00 વાગ્યા આસપાસ યુવાનના માતા-પિતા ઘરે આવી કબાટમાં રહેલી તિજોરીમાં જોતા રૂપિયા દોઢ લાખ જોવા મળ્યા ન હતા. જેથી તેણે પુત્રને ફોન કરી ચોરી થઈ હોવાનું કહ્યું હતું. ત્યારબાદ સલમાને ઘરે આવી તેના મિત્ર ઉર્ફે બુઢાને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. થોડા સમય બાદ આશિફે ઇન્સ્ટાગ્રામમાંથી કોલ કરી યુવાનને કહ્યું હતું કે, મારે રૂપિયાની જરૂર હોય માટે તારા ઘરેથી પૈસા લઈ ગયો છું. બાદમાં તેણે પોતાનાથી ભૂલ થઈ ગઈ હોય અને પૈસા ચૂકવી દેશે તેવું જણાવતા યુવાને આજદિન સુધી આ અંગે ફરિયાદ નોંધાવી ન હતી પરંતુ બાદમાં પૈસા પરત ન આપતા અંતે યુવાને મિત્ર વિરુદ્ધ ચોરીની આ ફરિયાદ નોંધાવી હતી.
આ પહેલા ચાર દિવસ પૂર્વે જ આશીફનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં તેં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈનું ઉપરાણું લઈ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને બેફામ ગાળો ભાંડી ખૂનની ધમકી આપી રહ્યો હતો. જે મામલે આશીફ વિરુદ્ધ સ્ટેટ સાયબર ક્રાઇમની ટીમે પણ ગુનો નોંધ્યો હતો. બનાવને લઇ સાયબર ક્રાઇમ પીઆઈ જે.એમ.કૈલા અને બી.બી. જાડેજાની ટીમ હૈદરાબાદ ખાતે દોડી ગઈ હતી અને આસિફને દબોચી રાજકોટ ખાતે લઇ આવી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આસિફ અહીં ચોરીને અંજામ આપી હૈદરાબાદ નાસી ગયો હતો. જયા પ્રથમ તેં ખાનગી ટ્રાવેલ્સની બસમાં ક્લિનર તરીકે નોકરી હતી અને હાલ તેં એક હોટેલના હાઉસ કીપિંગ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું.