રાજકોટ મહાપાલિકાના ભાજપના ઉપલાકાંઠા વિસ્તારના પૂર્વ કોર્પોરેટર અને હાલ વોર્ડ નં.૨ના સક્રિય કાર્યકર્તા તરીકે કાર્યરત અનિલ મકવાણા ગેરકાયદેસર બાંધકામ મામલે મહાપાલિકામાં ફરિયાદ કર્યા બાદ જો તે ફરિયાદ પાછી ખેંચવી હોય તો પૈસા આપવા પડે તેમ કહીને વાટાઘાટ કરી રહ્યાનો વીડિયો આજે સવારથી સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ભાજપના વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
વિશેષમાં સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં એવા મતલબનો સંદર્ભિત સંવાદ થતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે કે રવિ રત્ન પાર્ક વિસ્તારમાં ચાલતા કોઈ બાંધકામ મામલે ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાએ મહાપાલિકામાં ફરિયાદ કરી હતી અને તે ફરિયાદ પાછી ખેંચી લેવા અથવા તો કોઈ એકશન ન આવે તે માટે બાંધકામ કોન્ટ્રાક્ટર આજીજી કરી રહ્યો છે અને ફરિયાદ પાછી ખેંચવા માટે માંગેલી રકમમાં ઘટાડો કરવા વિનંતી કરી રહ્યો છે. ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હોવાના સંદર્ભે વીડિયોમાં નહીં દેખાતો પરંતુ જેનો અવાજ સંભળાય છે તે શખ્સ બાંધકામ કોન્ટ્રાક્ટર હોવાનું ચર્ચાય રહ્યું છે. વીડિયોમાં જેનો અવાજ સંભળાય છે તે શખ્સ પૂર્વ કોર્પોરેટની ત્રણ લાખ રૂપિયાની માંગણી સામે પોતે ફ્ક્ત ૬૦ હજાર આપી શકે તેમ હોવાનું કહે છે ત્યારે પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા છેલ્લા સવા લાખ ઇ થી ઓછું કંઇ નહીં તેમ કહીને એક્ટિવાનો સેલ્ફ લગાવી રવાના થઇ જાય છે તેવા દ્રશ્યો વાયરલ વીડિયોમાં જોવા મળે છે.
આજે સવારથી ઉપરોક્ત વીડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થતા તેમજ ટીવી ચેનલોમાં પણ પ્રસારિત થતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. અલબત ભાજપના જ વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે આ પ્રકારે અનેક લોકો પાસેથી પૈસા પડાવવા પ્રયાસ કર્યાની વાત સામે આવી છે પરંતુ હવે ભોગ બનનાર વધુ લોકો સામે આવે તેવી શક્યતા નકારી શકાતી નથી. વીડિયો વાયરલ થયા બાદ પૂર્વં કોર્પોરેટરનો સંપર્ક કરવા ભારતીય જનતા પાર્ટીના જ અનેક લોકોએ પ્રયાસ કર્યો હતો પરંતુ મકવાણા એ તેમનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી નાંખ્યો હતો.
ફરિયાદ અંગે પ્રદેશને જાણ કરાશે: ડો.માધવ દવે
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઇ દવેએ જણાવ્યું હતું કે બાંધકામ કરનાર પાસેથી પૈસા માંગતા ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો વાયરલ થયેલો વીડિયો તેમણે સોશ્યલ મીડિયામાં નિહાળ્યો છે પરંતુ તેમનો સંપર્ક કરવા પ્રયાસ કરતા મોબાઈલ સ્વીચ ઓફ આવ્યો છે. આ અંગે પ્રદેશ ભાજપમાં જાણ કરાશે ત્યારબાદ ત્યાંથી માર્ગદર્શન આવે તે મુજબ આગળની કાર્યવાહી કરાશે.