BREAKING NEWS

જમીન પર પગ મુક્યા વગર પંખીએ 11 દિવસમાં 13,560 કિલોમીટર ઉડીને વિશ્વ રેકોર્ડ સર્જ્યો

  • March 10, 2026 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુનિયામાં કુદરત ઘણીવાર એવા અદ્ભુત ચમત્કારો બતાવે છે કે જેને સાંભળીને માણસ પણ આશ્ચર્યમાં પડી જાય. એવો જ એક અદભુત કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે. માત્ર 300થી 400 ગ્રામ વજન ધરાવતા “બાર-ટેઇલ્ડ ગોડવિટ” નામના પ્રવાસી પક્ષીએ સતત ઉડાન ભરીને 13,560 કિલોમીટરનું અંતર પાર કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.જોવાની ખૂબી એ છે કે આટલા સમય દરમિયાન તેને જમીન પર પગ મુક્યો જ નથી.

આ પક્ષીએ અમેરિકાના અલાસ્કાથી ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયા સુધીનો લાંબો પ્રવાસ કર્યો. આશ્ચર્યજનક વાત એ છે કે આ આખી મુસાફરી દરમિયાન તે એક વખત પણ જમીન પર ઉતર્યો નહીં અને લગભગ 11 દિવસ સુધી સતત ઉડતો રહ્યો.


પંખી પર લગાડેલા સેટેલાઇટ ટેગથી આખું રહસ્ય ખુલ્યું

વૈજ્ઞાનિકોએ આ પક્ષી પર સોલર શક્તિથી ચાલતું નાનું સેટેલાઇટ ટેગ લગાવ્યું હતું. તેની મદદથી આ પક્ષીની આખી ઉડાન પર નજર રાખવામાં આવી અને ત્યારબાદ આ અદ્ભુત મુસાફરીનો રેકોર્ડ વિશ્વ સમક્ષ આવ્યો.આ પક્ષી સામાન્ય રીતે નાનું હોય છે, પરંતુ લાંબી મુસાફરી પહેલાં તે પોતાના શરીરમાં ખાસ તૈયારીઓ કરે છે. પ્રવાસ શરૂ થાય તેના પહેલા તે ઘણું ખોરાક ખાય છે અને શરીરમાં મોટી માત્રામાં ચરબી સંગ્રહ કરે છે. આ ચરબી તેને લાંબી ઉડાન દરમિયાન ઉર્જા આપે છે. એટલું જ નહીં, ઉડાન પહેલા તેના શરીરના કેટલાક આંતરિક અંગો પણ નાના થઈ જાય છે જેથી શરીર હળવું બને અને લાંબા અંતર સુધી ઉડી શકે.

આ સમગ્ર મુસાફરી દરમિયાન પક્ષી ખાવું-પીવું કે આરામ કરતું નથી. વૈજ્ઞાનિકો કહે છે કે ઉડાન દરમિયાન તે “અર્ધી ઊંઘ”ની સ્થિતિમાં રહે છે. એટલે કે તેના મગજનો એક ભાગ આરામ કરે છે અને બીજો ભાગ જાગૃત રહે છે, જેથી તે ઉડતા ઉડતા પણ દિશા ન ગુમાવે.

દિશા શોધવા કુદરતી સંકેતોનો ઉપયોગ કરે

દિશા શોધવા માટે આ પક્ષી કુદરતી સંકેતોનો ઉપયોગ કરે છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, સૂર્ય-તારા, હવામાન અને પવનની દિશા જેવા સંકેતોની મદદથી તે હજારો કિલોમીટર દૂરનો રસ્તો શોધી લે છે.વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ ઉડાન માત્ર એક વિશ્વ રેકોર્ડ નથી, પરંતુ કુદરતની અદ્ભુત શક્તિનું ઉદાહરણ છે. માનવ બનાવટના વિમાનો કલાકોમાં હજારો કિલોમીટર ઉડે છે, પરંતુ માત્ર થોડા સો ગ્રામ વજન ધરાવતો આ પક્ષી 11 દિવસ સુધી સતત ઉડીને સમુદ્ર પાર કરે છે, જે કુદરતની અદભુત રચનાને દર્શાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application