BREAKING NEWS

ખાર્ગ દ્વીપ પર હુમલા બાદ ઈરાનનો વળતો આર્થિક પ્રહાર: તેલનો વેપાર હવે ડોલરને બદલે આ દેશના ચલણમાં થશે

  • March 15, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે વિશ્વના સૌથી મોટા કોમોડિટી માર્કેટ એટલે કે 'કાચા તેલ' (Crude Oil) પર કેન્દ્રિત થયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના તેલ નિકાસના મુખ્ય કેન્દ્ર ખાર્ગ દ્વીપ (Kharg Island) પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં, ઈરાને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકી ડોલરના વર્ચસ્વને પડકાર ફેંક્યો છે.


ખાર્ગ દ્વીપ: ઈરાની અર્થતંત્રની જીવાદોરી
ખાર્ગ દ્વીપ એ ઈરાન માટે માત્ર જમીનનો ટુકડો નથી, પરંતુ તેની તેલ નિકાસનું હૃદય છે. ઈરાન દરરોજ 17 લાખ બેરલ તેલ નિકાસ કરે છે, જેનો 90% હિસ્સો માત્ર આ એક જ ટાપુ પરથી પસાર થાય છે. અમેરિકાએ અત્યારે ખાર્ગના સૈન્ય મથકો તોડી નાખ્યા છે પરંતુ રિફાઇનરીઓને નુકસાન પહોંચાડ્યું નથી. આ એક આર્થિક ચેતવણી છે કે અમેરિકા ગમે ત્યારે ઈરાનની આવકનો સ્ત્રોત બંધ કરી શકે છે.


વૈશ્વિક વેપારનું 'ચોકપોઈન્ટ'

અમેરિકી ઘેરાબંધી સામે ઈરાને હોર્મુઝની ખાડી (Strait of Hormuz) માં અવરોધ ઉભા કરવાનું શરૂ કર્યું છે. વિશ્વની કુલ જરૂરિયાતનું 20 ટકા કાચું તેલ આ સાંકડા દરિયાઈ માર્ગેથી પસાર થાય છે. સ્થિતિને કાબૂમાં લેવા પેન્ટાગોને 'યુએસએસ ત્રિપોલી' યુદ્ધ જહાજ અને 5,000 થી વધુ મરીન કમાન્ડો આ વિસ્તારમાં રવાના કર્યા છે. જો આ માર્ગ બંધ થાય, તો વૈશ્વિક સ્તરે શિપિંગ ખર્ચ અને વીમા પ્રીમિયમમાં તોતિંગ વધારો થશે.


ઈરાનનો મોટો 'કરન્સી' દાવ
ઈરાને હવે એક એવી ચાલ ચાલી છે જે અમેરિકી અર્થતંત્રમાં ભૂકંપ લાવી શકે છે. ઈરાન એવા જ તેલ ટેન્કરોને હોર્મુઝમાંથી સુરક્ષિત પસાર થવાની મંજૂરી આપવા પર વિચાર કરી રહ્યું છે, જે તેલના વેપાર માટે અમેરિકી ડોલરને બદલે ચીની ચલણ 'યુઆન' (Yuan) નો ઉપયોગ કરશે. દાયકાઓથી તેલનો વેપાર ડોલરમાં થાય છે, જેને 'પેટ્રોડોલર' કહેવામાં આવે છે. જો ઈરાન યુઆન અપનાવે, તો તે અમેરિકી પ્રતિબંધોને નિષ્ફળ બનાવવાની સાથે ડોલરના વૈશ્વિક પ્રભુત્વને મોટો ફટકો મારશે. ફ્રાન્સ, ઈટાલી અને ભારત જેવા દેશો પણ પોતાની ઉર્જા સુરક્ષા માટે ઈરાન સાથે સીધી વાતચીત કરી રહ્યા છે.

મોંઘવારીનો વૈશ્વિક ખતરો
જો ખાર્ગ દ્વીપના તેલ માળખા પર હુમલો થાય અથવા હોર્મુઝ માર્ગ સંપૂર્ણ બંધ થાય, તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો બેકાબૂ બની જશે. વિશ્વભરમાં ઈંધણના ભાવ આસમાને પહોંચી શકે છે. પરિવહન મોંઘું થતા સામાન્ય જરૂરિયાતની ચીજવસ્તુઓ મોંઘી થશે. વધતી મોંઘવારીને રોકવા માટે સેન્ટ્રલ બેંકો (RBI, ફેડરલ રિઝર્વ) એ વ્યાજ દરો વધારવા પડશે, જે આર્થિક વિકાસને ધીમો પાડી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News