BREAKING NEWS

કેતકીબેન ઘોડાનું અમદાવાદ ખાતે નિધન: આજે પ્રાર્થનાસભા

  • March 10, 2026 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ અને ઈવેન્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા અભિલાષ ઘોડાના પત્ની કેતકી અભિલાષ ઘોડાનું કેન્સરની લાંબી બિમારી બાદ દુઃખદ અવસાન થયું છે. તેઓ છેલ્લા અઢી વર્ષથી કેન્સર સામે હિંમતપૂર્વક લડી રહ્યા હતા. ગઈકાલે તા.9ના રોજ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી પરિવારજનો ઉપરાંત શિક્ષણ, ફિલ્મ અને સામાજિક ક્ષેત્રમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

59 વર્ષની વયે દુનિયાને અલવિદા કહેનાર કેતકીબેન જાણીતા નિર્માતા દિક્ષિત ઘોડાના ભાભી અને કરન ઘોડા-વિવેક ઘોડાના માતુશ્રી અને માહિતી વિભાગના પૂર્વ કેમેરામેન હર્ષેન્દુ ઓઝાના બેનની પ્રાર્થના સભા આજે તા.10 માર્ચના રોજ સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન અમદાવાદના સિંધુભવન રોડ સ્થિત સિંધુભવન ખાતે રાખવામાં આવી છે.

તેઓ શિક્ષણ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા હતા. તેમજ સંસ્કૃત વિષયમાં સુવર્ણ ચંદ્રક વિજેતા રહ્યા હતા અને શિક્ષણ જગતમાં તેમના જ્ઞાન અને સમર્પણ માટે જાણીતા હતા. અનેક વિદ્યાર્થીઓને સંસ્કૃત તેમજ ગુજરાતી ભાષાનું ઊંડું જ્ઞાન આપીને તેમણે તેમને જીવનમાં આગળ વધવામાં પ્રેરિત કર્યા હતા. વિદ્યાર્થીઓ અને સહકર્મીઓમાં તેઓ એક સમર્પિત અને પ્રેરણાદાયી શિક્ષક તરીકે ઓળખાતા હતા.

ગુજરાતી ફિલ્મ જગત સાથે જોડાયેલા પરિવારમાં હોવાના કારણે કેતકીબેનનું નામ ફિલ્મ અને ઈવેન્ટ ઉદ્યોગમાં પણ ઓળખાતું હતું. તેમના અવસાનના સમાચાર મળતા જ ફિલ્મ જગત અને ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીના અનેક લોકોએ શોક વ્યક્ત કર્યો હતો અને પરિવારને સંવેદના પાઠવી હતી. કેતકીબેનના નિધનથી તેમના પરિવારજનો, મિત્રવર્તુળ અને શિષ્યોમાં ઊંડો શોક વ્યાપી ગયો છે. તેઓ સૌમ્ય સ્વભાવ, સરળતા અને જ્ઞાનપ્રેમ માટે યાદ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application