BREAKING NEWS

કચ્છઃ મુન્દ્રા પોર્ટ રસો તોડીને મધદરિયે ફંગોળાયું મહાકાય જહાજ; વાવાઝોડામાં પત્તાના મહેલની જેમ ઉડ્યા કન્ટેનરો

  • March 19, 2026 08:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના બદલાયેલા મિજાજની સૌથી ભયાનક અસર આજે કચ્છના દરિયાકાંઠે જોવા મળી છે. મુંદ્રા પોર્ટ પર ફૂંકાયેલા અતિશય વેગીલા પવન અને મીની વાવાઝોડા જેવી સ્થિતિને કારણે ભારે અફરાતફરી સર્જાઈ હતી. પવનના જોર સામે દરિયાઈ જહાજને બાંધી રાખતા મજબૂત રસાઓ પણ તૂટી ગયા હતા, જેના કારણે એક વિશાળકાય જહાજ બેકાબૂ બની દરિયામાં સરકી ગયું હતું.


CT3 ટર્મિનલ પર સર્જાયા ડરામણા દ્રશ્યો
આ ઘટના મુંદ્રા પોર્ટના CT3 ટર્મિનલ વિસ્તારમાં બની હતી. વિગતો મુજબ વાત કરીએ તો MSC કંપનીનું એક મહાકાય જહાજ જેટી પર લંગર નાખીને ઊભું હતું. પરંતુ પવનના પ્રચંડ ઝાપટાં એટલા શક્તિશાળી હતા કે જહાજને જકડી રાખતા જાડા રસા (દોરડા) એકાએક તૂટી ગયા હતા. રસા તૂટતા જ જહાજ પોતાનો કાબૂ ગુમાવી બેઠું અને જેટીથી દૂર ખસવા લાગ્યું હતું.


માત્ર જહાજ જ નહીં, પણ પોર્ટના યાર્ડમાં રાખવામાં આવેલા ભારેખમ લોખંડી કન્ટેનરો પણ પવનની તાકાત સામે ટકી શક્યા નહોતા. પવનના ઝોકાને કારણે અનેક કન્ટેનરો પોતાની જગ્યાએથી ખસી ગયા હતા અને વેરવિખેર થઈ ગયા હતા.


સુરક્ષાના પગલે પોર્ટમાં કામગીરી સ્થગિત
દુર્ઘટનાની ગંભીરતાને જોતા પોર્ટ પ્રશાસને તાત્કાલિક અસરથી સુરક્ષાના પગલાં ભર્યા હતા. પોર્ટની અંદર ટ્રકો અને અન્ય વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે જેથી કોઈ મોટી જાનહાનિ ન થાય. પોર્ટ પર કામ કરતા તમામ કર્મચારીઓને તાત્કાલિક સલામત અને સુરક્ષિત જગ્યાએ ખસી જવા સૂચના આપી દેવામાં આવી છે. પશ્ચિમ કચ્છ બાદ હવે પૂર્વ કચ્છમાં પણ મીની વાવાઝોડા જેવી સ્થિતિ હોવાથી સમગ્ર વિસ્તારમાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News