સાધુવાસવાણી રોડ પર સ્પામાં નોકરી કરનાર યુવાનની પત્ની અન્ય સ્પામાં નોકરી કરતી હોય દરમિયાન પત્નીને સ્પાના મેનેજર સાથે બાઇકમાં જોઇ જતા યુવાને આ બાબતે સ્પા સેન્ટરે પહોંચતા સ્પાના માલિક અને મેનેજરે તેને ગાળો ભાંડી હતી.બાદમાં યુવાનની નજર સામે સ્પાનો માલિક તેની પત્નીને લઇ ગયો હતો અને યુવાનને મારી નાખવા ધમકી આપી હતી. જે અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મૂળ ગીર સોમનાથના તાલાળાના વતની અને હાલ રાજકોટમાં સાધુવાસવાણી રોડ પર ગોલ્ડન સુપર માર્કેટની સામે બોડી કેર સ્પામાં રહેતા અને અહીં દોઢ મહિનાથી હાઉસકીપર તરીકે નોકરી કરનાર રમેશ ધનસુખભાઈ ચાવડા (ઉ.વ. 28) નામના યુવાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાધુવાસવાણી રોડ પર જુલેલાલ કોલ્ડ્રીકસ ઉપર આવેલ સ્પાના માલિક મનીષભાઈ અને સ્પાના મેનેજર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
રમેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની પત્ની નૂતન (ઉ.વ.27) ત્રણ વર્ષ તેની સાથે રહી હતી ત્યારબાદ ઝઘડો થતા પત્ની રાજકોટ માવતરના ઘરે ચાલી ગઈ હતી સંતાનમાં બે વર્ષની દીકરી છે જે પત્ની સાથે રહે છે. બાદમાં પત્નીએ રાજકોટ ખાતે રહેવા બોલાવતા યુવાન અહીં આવ્યો હતો પરંતુ બંને વચ્ચે મનમેળ ન રહેતા હાલ તે અહીં બોડીકેર સ્પામાં રહે છે.
ગઈકાલ બપોરના 11:30 વાગ્યા આસપાસ યુવાન અહી સ્પા ખાતે હતો ત્યારે રોડ પર જોતા તેની પત્ની નુતન સ્પાના મેનેજર સાથે બાઈક પર બેસીને જતી હતી જેથી તેણે બૂમ પાડી હતી. પરંતુ તેણે બાઈક રોક્યું ન હતું બાદમાં તેણે પત્નીને ઇન્સ્ટાગ્રામ પર કોલ કર્યો હતો પણ તેણે ફોન ઉપાડ્યો ન હતો. ત્યારબાદ વિડીયો કોલ કરતા તેણે ફોન રીસીવ કર્યો હતો અને તે સમયે તે સ્પામાં બેઠી હતી જેથી યુવાન અહીં સાધુવાસવાણી રોડ પર આવેલા સ્પા પર ગયો હતો ત્યારે ત્યાં જ સ્પાના માલીક મનીષભાઈ હાજર હતા અને મેનેજર પણ હાજર હતો તેણે મેનેજરને કહ્યું હતું કે, તે બાઈક કેમ ઉભું રાખ્યું ન હતું જેથી તેણે કહ્યું હતું કે મારી ઈચ્છાની વાત છે મારે વાહન ઉભું રાખવું કે ન રાખવું. ત્યારબાદ મેનેજર અને સ્પાના માલિક મનીષ બંને ભેગા મળી યુવાનને ગાળો આપવા લાગ્યા હતા.
બાદમાં યુવાન અહીંથી પોતાની દીકરીને લઈ બોડીકેર સ્પા પર ચાલ્યો ગયો હતો ત્યારબાદ અહીં યુવાનની પત્ની નુતન આવી હતી અને બંને ઓફિસમાં વાતચીત કરતા હતા. દરમિયાન સ્પાના માલિક મનીષભાઈ અહીં પણ આવ્યા હતા અને યુવાનની પત્નીને કહ્યું હતું કે, હું તને બીજી જગ્યાએ લઈ જઉં છું ચાલ મારી સાથે જેથી યુવાનની પત્ની તેની સાથે ચાલવા લાગી હતી. આ સમયે મનીષે યુવાનને ધમકી આપી હતી કે, હવે મારી ઓફિસે આવ્યો છે તો તને છરીના ઘા મારી દઈશ તારે જેને કહેવું હોય તેને કહી દેજે. આમ સ્પાના માલિક અને મેનેજરે યુવાનને ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.