યુ બ્રોડબેન્ડ ઈન્ડીયા પ્રા.લી. કંપનીને ઈન્ટરનેટ સેવામાં ખામી સબબ રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગે આપેલા સીમાચિન્હ રૂપ ચુકાદામાં રૂપિયા દસ હજાર કોસ્ટ ને નુકસાની ભરપાઈ કરવા હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ શહેરની ઠાકર લો ર્ફમ હરીહર ચોક, પંચનાથ કોમર્શીયલ સેન્ટરમાં ઓફીસના સંચાલકોએ યુ બ્રોડબેન્ડનું ઈન્ટરનેટ પેકેજ લીધું હતું. તેમાં તા. ૨૮/ ૯/ ૨૦૨૪ના રોજ રકમ રૂા. ૫,૬૬૪/- ચુકવી એક વર્ષ માટે રિચાર્જ કરેલ હતું. બાદ તારીખ ૧૪/ ૦૬/ ૨૦૨૫ના રોજ ઓફીસનું ઈન્ટરનેટ અચાનક જ બંધ થતા કંપનીને જાણ
અને ફરિયાદો કરવા છતાં કંપની દ્વારા ચાલુ કરવામાં આવ્યું ન હતું. આથી ઓફીસમાં થતી તમામ જરૂરી કામગીરી જેવી કે, દસ્તાવેજ નોંધણી, અપોઈમેન્ટ, જજમેન્ટ ફાઈન્ડિંગ, ઈ-કોર્ટ સેવાઓ અન્ય વકીલો સાથેનો સંપર્ક વિગેરે ખુબજ જરૂરી કામો ઠપ્પ થય ગયેલ હતા. આખરે કંટાળીને નાછૂટકે સંચાલક દ્વારા કન્ઝયુમર કોર્ટ રાજકોટ ખાતે ફરિયાદ કરી હતી. તેમાં ઇન્ટરનેટ સેવા મુદત કરતા વહેલી બંધ કરી દેવા સબબ રૂા.૧૬૫૨/- કે જે વર્ષના અંતે બાકી રહેતા ઈન્ટરનેટ પેકેજના સાળા ત્રણ માસ લેખે માંગણી કરેલ હતી. આ કેસ કન્ઝ્યુમર કોર્ટ સમક્ષ ચાલી જતા ફરીયાદી દ્વારા દલીલ કરતા જણાવેલ કે, "ઈન્ટરનેટ ઈઝ લાઈક એન ઓક્સિજન" આજના આ આધુનીક યુગમાં અને ૨૧મી સદીમાં માણસ ચાંદ સુધી પહોંચી ગયો છે પરંતુ સામાવાળી કંપનીનો ટેકનિશ્યન એક જ એરીયામાં ઓફીસ હોવા છતાં ૧૫ દિવસ સુધી ઈન્ટરનેટ કનેકશન ચાલુ કરી આપવા વાસ્તે સક્ષમ નથી. તેમજ જુદા જુદા હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકેલા હતા. જે ગ્રાહય રાખતા સેવામાં ખામી સબબ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ દ્વારા સામાવાળી કંપનીને રૂા. ૧૬૫૨ અને રૂા. ૧૦ હજાર કોસ્ટ સાથે ચુકવવા મહત્વનો સીમા ચિન્હ રૂપ ચુકાદો આપેલ છે. આ કેસમાં ફરીયાદી વતી વરિષ્ઠ ધારાશાસ્ત્રી જી.આર.ઠાકર, ગાર્ગીબેન જી. ઠાકર, મીલનભાઈ દુધાત્રા, જીંકલ રૈયાણી, કૃપાલ ઠાકર અને એ.જી. ઠાકર રોકાયા હતા.