સરકારની 586 એમ્બ્યુલન્સ ખાનગી એજન્સીને સોપવા કરાયો આદેશ

  • March 10, 2026 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યની જિલ્લા હોસ્પિટલો, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલો, મેડિકલ કોલેજ સલગ્ન હોસ્પિટલો, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાતેની કુલ 586 એમ્બ્યુલન્સ વાન અમદાવાદ સ્થિત એએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ નામની એજન્સીને સોંપવાનો સરકારે આદેશ કર્યો છે.

રાજ્ય સરકારે કઈ હોસ્પિટલ અથવા તો કેન્દ્રમાં 586 એમ્બ્યુલન્સ પડી છે તેનું એક અલગથી લિસ્ટ જે તે સંસ્થાને મોકલી આપ્યું છે અને આ તમામ એમ્બ્યુલન્સ હવેથી 108 ની સેવા સંભાળતી ખાનગી એજન્સીને સોંપવાની સૂચના આપવામાં આવી છે.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના તબીબી સેવાના અધિક નિયામક દ્વારા આ સંદર્ભે એક પરિપત્ર કરવામાં આવ્યો છે અને તેમાં જણાવ્યું છે કે સરકારી આ તમામ એમ્બ્યુલન્સ ગ્રીન હેલ્થ સર્વિસ ને સોપવા માટે આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી તેની અમલવારી થઈ નથી. હવે આ તમામ 586 એમ્બ્યુલન્સ ગ્રીન હેલ્થ સર્વિસને સોપવાની રહેશે અને જ્યારે કબજો આપવામાં આવે ત્યારે લેખિતમાં પ્રક્રિયા કરવાની રહેશે. આ પ્રક્રિયા વખતે એમ્બ્યુલન્સમાં હાલના ઉપલબ્ધ સંસાધનો, એસેસરીઝ, સ્પેરવીલ વગેરેની વિગતો પૂરી પાડવાની રહેશે અને લેવડદેવડ વખતે જરૂરી હેન્ડ ઓવરની કાર્યવાહી કરી બંને પક્ષોએ આવી યાદી પર પોતાના હસ્તાક્ષર કરવાના રહેશે. જ્યારે એમ્બ્યુલન્સ ખાનગી સંસ્થાને સોંપવામાં આવે ત્યારે તેની આરસી બુક, ઇન્સ્યોરન્સ પોલિસી, પીયુસી, એમ્બ્યુલન્સ ખરીદી બિલ અને જરૂરી કાગળો પણ આપવાના રહેશે. ઝેરોક્ષ નકલ જે તે સંસ્થાએ પોતાની પાસે રાખવાની રહેશે.

ગુજરાત સરકારે વહીવટી મંજૂરીની શરતો બાબતેના નિયમો નક્કી કર્યા છે તે મુજબ જે હેતુ માટે મંજૂરી આપવામાં આવી હોય તે હેતુ માટે જ ઉપયોગ થઈ શકશે પરંતુ આ કિસ્સામાં ધારાસભ્યો સંસદ સભ્યોની ગ્રાન્ટમાંથી તરફથી મળેલી અને જે તે હોસ્પિટલને ફાળવવામાં આવેલી એમ્બ્યુલન્સ હવે ખાનગી એજન્સી ના હવાલે કરી દેવામાં આવશે. આયોજન મંડળની ગ્રાન્ટમાંથી કે સીએસઆર ફંડમાંથી કે અન્ય કોઈ પ્રકારના સ્ત્રોત મારફતે મળેલી એમ્બ્યુલન્સ પણ ગ્રીન હેલ્થ સર્વિસને સોંપી દેવાનો સરકારે આદેશ કર્યો છે. આ તમામ એમ્બ્યુલન્સ 108 સેવા સાથે ઇન્ટીગ્રેટેડ થયા પછી આવી એમ્બ્યુલન્સ વાહનોના હાલનું પાર્કિંગ અને સેલ્ટરમા જ રાખવાની રહેશે. જ્યારે દર્દીને અન્ય જગ્યાએ રિફર કરવા એમ્બ્યુલન્સ ઉપયોગ કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે 108 નંબર ડાયલ કરીને તે મંગાવવાની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application