શેરબજારમાં રોકાણ કરવા ઈચ્છતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) દ્વારા ગુજરાતની પ્રખ્યાત ચા કાફે ચેઈન "ટી પોસ્ટ" (Tea Post) ઉપરાંત ટ્રાવેલસ્ટેક ટેક અને લર્નફ્લુઅન્સ એજ્યુકેશનના આઈપીઓ (IPO) ને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. રાજકોટના વતની દર્શન દસાણી દ્વારા સ્થાપિત આ કંપની હવે મૂડીબજારમાંથી જંગી ભંડોળ એકત્ર કરવા તૈયાર છે.
ટી પોસ્ટ: વિદેશી કાફે કલ્ચરને મળ્યો ‘દેશી’ તડકો
ટી પોસ્ટે પશ્ચિમી દેશોના કોફી કાફે કલ્ચરને ભારતીય ચાની સંસ્કૃતિ સાથે જોડીને એક અદભુત બિઝનેસ મોડલ ઊભું કર્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ૬૦ થી વધુ શહેરોમાં આજે ૨૫૦ થી વધુ આઉટલેટ્સ ધમધમી રહ્યા છે. દર મહિને અંદાજે ૨૫ લાખથી વધુ ચા ના કપ પીરસતી આ કંપની હવે રોકાણકારોના પોર્ટફોલિયોમાં સ્થાન મેળવવા જઈ રહી છે. કંપની કુલ ૨.૮૫ કરોડ શેરનો આઈપીઓ લાવીને વ્યવસાયના વિસ્તરણ માટે ભંડોળ એકત્ર કરશે.
રોકાણકારો માટે શું ખાસ?
ટી પોસ્ટનો આઈપીઓ માત્ર એક બિઝનેસ ન્યુઝ નથી, પણ ગુજરાતની એક સ્ટાર્ટઅપ બ્રાન્ડની વૈશ્વિક સ્તરે પહોંચવાની સફર છે. દર્શન દસાણીની આ સફળતા દર્શાવે છે કે જો તમારી પ્રોડક્ટમાં દમ હોય, તો એક નાનકડી ટી-પોસ્ટ પણ શેરબજાર સુધી પહોંચી શકે છે. આ સાથે જ ટ્રાવેલપ્લસ અને લક્ષ્ય કોચિંગ જેવી કંપનીઓને પણ મંજૂરી મળતા માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.